(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.રર
વડોદરા જિલ્લાના પાદરામાં રણુ મુવેડી વચ્ચે ડમ્પર અને આઈસર ટેમ્પો વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા ઘટના સ્થળે ૮નાં મોત થયા હતા. જયારે અન્ય ચારના મોત થતા કુલ ૧ર વ્યકિતઓના મોત થયા છે.પ્રાપ્ત વિગતો અનુસાર રણુ અને ભોજ ગામના રહેવાસીઓ ટેમ્પોમાં જઈ રહ્યા હતા. ત્યારે માતેલા સાંઢની જેમ ધસી આવેલા ડમ્પર ટેમ્પોને અડફેટમાં લેતા ટેમ્પોમાં સવાર આઠ વ્યકિતઓના ઘટના સ્થળે મૃત્યુ નીપજયા હતા. જયારે ચાર ઈજાગ્રસ્તો પણ મૃત્યુ પામતા કુલ ૧ર વ્યકિતઓના મોત થયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે રણુ અને મુવેડી ગામ વચ્ચે અવારનવાર અકસ્માતો સર્જાવાની ઘટના બને છે. આજે પણ એક મોટી દુર્ઘટના સર્જાતા આજુબાજુના ગામના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને ટેમ્પોમાંથી બહાર કાઢવાની કામગીરીમાં જોતરાયા હતા. ઘટના સ્થળે જ ૮ લોકો મૃત્યુ પામયા હતા જયારે વધુ ૪ ઈજાગ્રસ્તો પણ મૃત્યુએ ભેટતા મૃત્યુનો આંક ૧ર ઉપર પહોંચ્યો હતો. અન્ય ઈજાગ્રસ્તોની પાદરાની આજુબાજુની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રણુ અને ભોજના ગામના પ૦ લોકો લગ્ન પ્રસંગમાં ગયા હોવાથી ત્યાંથી પરત ફરતા રણુ અને મુવેડી વચ્ચે ડમ્પરની ટક્કરે અકસ્માત સર્જાતા ટેમ્પોમાં બેઠેલા લોકો પૈકી ૧ર લોકોના મોત થયા હતા. જયારે અન્ય ઈજાગ્રસ્તોને પાદરાના આસપાસની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જયારે કેટલાક ઈજાગ્રસ્તોને વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.
અકસ્માતમાં મોતને ભેટેલા લોકોની યાદી
• મોહસિનભાઈ રમઝાનખાન પઠાણ (૩પ) (રહે.ફતેગંજ વડોદરા)
• રૂકશાનાબહેન મોસિનભાઈ રમઝાનખાન પઠાણ (૩પ) (રહે.ફતેગંજ વડોદરા)
• જૈયેદાબહેન સબ્બીરભાઈ અહેમદ મલેક (૪૮) (રહે.રણુ તા.પાદરા)
• સુભાનબહેન સજાદભાઈ ઈસ્માઈલભાઈ સીંધા (૩ર) (રહે.રણુ તા.પાદરા)
• માહેનુરબહેન ફીરોઝભાઈ અલ્લારખાભાઈ ચૌહાણ (૮) (ભોજ તા.પાદરા)
• નસરીનબહેન ફીરોઝભાઈ અલ્લારખાભાઈ ચૌહાણ (૩ર) (ભોજ તા.પાદરા)