(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૩૦
શહેરના લાંભા ગામ ઈન્દિરાનગરમાં રહેતા એક ગરીબ પરિવારનો બાર વર્ષનો પુત્ર એલ.જી.હોસ્પિટલમાંથી અચાનક ગૂમ થઈ જતાં પરિવાર પર આભ તૂટી પડયું છે. બીમાર પુત્રની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા ત્યાં બીજી આફત આવી પડતાં પરિવારને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. આ અંગે કિશોરના પિતાએ મણિનગર પોલીસ સ્ટેશનમાં તેના પુત્રનું કોઈ અપહરણ કરી ગયું હોવાની ફરિયાદ દાખલ કરી છે. મણિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ લાંભા ઈન્દિરાનગર ખાતે રહેતા દિનેશ રામસુંદર વિશ્વકર્માને સંતાનમાં ત્રણ બાળકો છે જે પૈકી તેમનો નાનો પુત્ર આયુષ બીમાર થઈ જતાં તેને ૧૬-પ-ર૦૧૮ના રોજ સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આથી પતિ-પત્ની બાકીના બન્ને બાળકો ૧ર વર્ષના રાહુલ અને ૮ વર્ષના સુખચેનને લઈ હોસ્પિટલમાં જ હતા. દરમિયાન તા.ર૭-પ-ર૦૧૮ના બપોરના સુમારે તેમનો પુત્ર રાહુલ સંસ્થામાંથી લાવેલું ટિફિન જમ્યા બાદ ધોયેલું ટિફિન સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસના બગીચા પાસે પરત આપવા ગયો હતો જે લાંબા સમય સુધી પીછો ન આવતા તપાસ કરતાં તે ત્યાં જણાયો ન હતો. આથી તેમણે અને તેમની પત્ની પૂજાએ તથા સગા-સંબંધીઓએ આસપાસની સોસાયટી તથા અન્યત્ર તપાસ કરી છતાં મળી આવ્યો ન હતો. આથી તેનું કોઈ અજાણ્યો ઈસમ અપહરણ કરી લઈ ગયો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. દરમિયાન ગોમતીપુર વોર્ડના મ્યુનિ. કાઉન્સિલર ઈકબાલ શેખ તેમના નિત્યક્રમ મુજબ ગતરાત્રે એલ.જી.હોસ્પિટલમાં દર્દીઓની સેવા માટે ગયા ત્યારે આ પરિવારની આપવીતી સાંભળી તેમનું દિલ દ્રવી ઉઠયું હતું અને તેમણે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અને મણિનગર પોલીસને વહેલીતકે બાળકનો પત્તો મેળવવા અને સીસીટીવી કેમેરાની મદદથી કડી મેળવવા વિનંતી કરી હતી. છેલ્લા ચાર દિવસથી આ પરિવાર બીમાર બાળકની સારવાર કરવાની સાથે ગુમ થયેલા પુત્રને શોધવા દરબદર ભટકી રહ્યો છે.

એલ.જી.હોસ્પિટલના સીસીટીવી કેમેરા જ ખરા સમયે બંધ રહ્યા

એલ.જી.હોસ્પિટલમાંથી કિશોર ગૂમ થયાની ફરિયાદ બાદ સીસીટીવી કેમેરા ચેક કરાતા તે બંધ હોવાનું માલૂમ પડયું હતું. આ અંગે ગોમતીપુર વોર્ડના મ્યુનિ. કાઉન્સિલર ઈકબાલ શેખે જણાવ્યું છે કે, હોસ્પિટલમાં જ આટલી ગંભીર ઘટના બની છતાં સીસીટીવી કેમેરા બંધ હોય તે તંત્રની ગંભીર બેદરકારી કહેવાય. જો કેમેરા ચાલુ હોત તો કિશોરની ભાળ મળી શકત. પરંતુ હોસ્પિટલ તંત્રએ દશેરાના દિવસે ઘોડો ન દોડયો એ કહેવતને સાર્થક કરી છે.