મોડાસા, તા. ર૩
અરવલ્લી જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નબળી કામગીરીથી ખાદ્ય ચીજ વસ્તુઓમાં મિલાવટ સામાન્ય બની છે. જિલ્લા સહિત મોડાસા શહેરમાં ઠેર-ઠેર કેરીઓના હોલસેલ વેપારીઓ કાર્બાઈડ અને ઈથિલીનનો ઉપયોગ કરી ફળો પકવવાનો ગોરખધંધો ફૂલો ફાલ્યો છે તેમ છતાં ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્ર અને આરોગ્ય વિભાગે આંખે પાટા બાંધ્યા હોય તેમ ખાનાપૂર્તિ કામગીરી કરી રહ્યા છે. બુધવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોડાસા શહેરના પાંચ હોલસેલ કેરીનાં વેપારીઓના ત્યાં દરોડા પાડી ૧ર૦૦ કિલો અખાદ્ય કેરીનો જથ્થો ઝડપી પાડી કેરીઓનો નાશ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો ઈથિલીનની પડીકીઓ પણ કેરીઓના બોક્સમાંથી મળી આવતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.