મુંબઈ, તા.૧
ઈડીએ બીસીસીઆઈ, તેના પૂર્વ બોસ એન શ્રીનિવાસન અને આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદી અને અન્ય ઉપર ફેમા કાયદાના કથિત ઉલ્લંઘન માટે ૧ર૧ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કથિત ઉલ્લંઘન ર૦૦૯ આઈપીએલ દરમ્યાન થયું હતું. તપાસ એજન્સીના વિશેષ નિર્દેશકે બીસીસીઆઈ પર ૮ર.૬૬ કરોડ રૂપિયા શ્રીનિવાસન પર ૧૧.પ૩ કરોડ રૂપિયા અને લલિત મોદી ઉપર ૧૦.૬પ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જ્યારે બીસીસીઆઈના પૂર્વ કોષાધ્યક્ષ એમપી પાનદોવે પર ૯.૭ર કરોડ રૂપિયા અને સ્ટેટ બેન્ક ઓફ ટ્રાવનકોર પર સાત કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ રીતે દંડની કુલ રકમ ૧ર૧.પ૬ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આરોપ છે કે ર૦૦૯માં આઈપીએલની જે સિઝનનું દ.આફ્રિકામાં આયોજન થયું હતું તેના માટે ર૪૩ કરોડ રૂપિયા દેશની બહાર મોકલાયા હતા. આ પૈસા કથિત રીતે ફોરેન એક્સચેન્જ એકટ (ફેમા)નું ઉલ્લંઘન કરીને મોકલાવાયા હતા. આ ટ્રાન્સફરને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ફંડ ટ્રાન્સફર માટે બનાવાયેલી ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન માનવામાં આવ્યું છે. ઈડીએ ઓર્ડરમાં બધા અરોપીઓને ૪પ દિવસની અંદર પૈસા જમા કરાવવા માટે કહ્યું છે.