(એજન્સી) ટોક્યો,તા.૧૦
જો તમે વિચારી રહ્યા હોવ કે, માત્ર મુંબઈમાં જ વરસાદે તારાજી સર્જી છે તો તમે ખોટું વિચારી રહ્યા છો. કારણ કે હાલમાં જાપાનમાં ભારે વરસાદને લઈ ખૂબ જ જાનહાનિ થઈ રહી છે. અહીંયા વરસાદને લીધે હમણાં સુધી ૧૨૭ લોકોનાં મોત થઈ ચૂક્યા છે અને હજી પણ આ આંકડો વધવાની શકયતા છે. વરસાદને લીધે આવેલા પૂરને લીધે જાપાનના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હજારો લોકોને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ વખતે જાપાનમાં વરસાદે બધો રેકોર્ડ તોડી દીધો છે. અહિંયા વરસાદ બાદ આવેલ પૂરનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ૧૨૭ લોકોનાં મોત થયા છે અને હજારો લોકો લાપતા છે અને જગ્યા જગ્યાએ ફસાયેલા છે. એવામાં એ લોકોને બચાવવા અને બહાર નીકળવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. જાપાનની રાજધાની નજીક આવેલા ઘણા શહેરોમાં ભારે પૂર આવેલું છે. પૂરના લીધે જાનમાલનું ખૂબ જ નુકશાન થયું છે. ઘણા બધા લોકોના ઘર તૂટી ગયા છે. ત્યાં જ લાપતા થયેલ લોકોને શોધવાની પ્રક્રિયા ઝડપી કરવા પીએમ શિન્જો અબેએ બચાવ દળથી અનુરોધ કર્યો છે.