ઉના,તા.૩
ગીર પંથકના પૂર્વ રેન્જના દલખાણીયા વિસ્તારમાં ગંભીર રોગનો શિકાર બનેલા ૨૦થી વધુ સિંહોના મોતથી સમગ્ર ગુજરાત સરકાર અને વન્યવિભાગ અને વનપ્રેમીઓમાં ભારે આઘાતની લાગણી સાથે ખળભળાટ મચી ગયેલ છે. અને આ મોતને ભેટેલા સિંહોના મોતનું કારણ શોધવા દેશના વિવિધ રાજ્યમાંથી વન્યપ્રાણીના નિષ્ણાંત વેટરનીટી તબીબોની ટીમો ઉતારી ગીરનું હીર ગણાતા સાવજોને બચાવવા અને તેના રોગોના પરિક્ષણો કરી તમામ ગીર પંથકના વિવિધ ઝોનના સિંહોને એનિમલ કેર સેન્ટરમાં લાવી તપાસ કરી નિરીક્ષણ હેઠળ રખાયેલ છે. હાલમાં વનસુત્રોમાંથી મળતી વિગત મુજબ જશાધાર અને જામવાળા વિસ્તારની રેન્જમાં આવતા સિંહો ખતરાથી બહાર હોય અને જામવાળા એનિમલ કેર સેન્ટરમાં ઓબઝર્વેશન હેઠળ રાખેલા હોય અને ત્યાં ત્રણથી વધુ તબીબોની સીધી દેખરેખ હેઠળ સારવાર અપાય રહી છે.
દલખાણીયા રેન્જના ૭ સિંહો જશાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવારમાં રખાયેલ છે. જેમાં બેના મોત બાદ પાંચ સિંહો હાલમાં સારવાર લેતા હોય તેની વનવિભાગ દ્વારા ખોરાક આપવાની શરૂઆત કરેલ છે. આ સિંહોને એકાત્રે ૬થી ૧૨ કિલો મટન આપવાનું શરૂ કરાયેલ છે. તા .૧૨ સપ્ટે. થી ગીરના સાવજો પર ગંભીર રોગ લાગુ પડતા ૨૦થી વધુ સિંહોના મોત બાદ સતત વનવિભાગ દ્વારા સમગ્ર ગીરજંગલને ખૂંદી નાખી ગીરના સાવજોને ઝોન વાઇઝ શોધીને તેને શિકાર કરેલા માસને મારણ કરેલ હોય તેવા તમામ મારણ પણ વનવિભાગે કબ્જે કરી તેના પણ ટેસ્ટ લેબોરેટરી કરાવેલ અને આ તમામ સિંહો દલખાણીયા રેન્જની આજુબાજુના વિસ્તારના હોય તેને જામવાળા એનિમલ કેર સેન્ટરમાં રાખેલ છે. અને તે કોઇપણ પ્રકારની ગંભીર બિમારીમાં સપડાઇ જાય નહી તેની તકેદારી સતત રાખવામાં આવી રહી છે. વનવિભાગ દ્વારા હાલ સતત ગીર વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ કરી ગીરના દરેક જાનવર ઉપર નજર રખાયેલ છે.