વોશિગ્ટન,તા. ૨
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે કહ્યુ છે કે ૧૨મી જુનના દિવસે તેઓ ઉત્તર કોરિયાના લીડર કિંમ જોંગ ઉન સાથે વાતચીત કરનાર છે. તેમની જાહેરાતની સાથે જ વાતચીત ક્યારેય અને ક્યા થશે તેને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. ટ્રમ્પે પોતે આ અંગેની જાહેરાત કરી દીધી છે. જેથી વાતચીત માટેનો માર્ગ મોકળો થઇ ગયો છે. અમેરિકાએ પહેલા વિરોધાભાસી નિવેદન કરીને દુવિધા વધારી દીધી હતી. હવે ટ્રમ્પે કહ્યુ છે કે વાતચીત નિર્ધારિત તારીખે જ સિંગાપોરમાં યોજાનાર છે. ઉત્તર કોરિયાના ટોપના અધિકારી વાતચીત માટેની રૂપરેખા તૈયાર કરવા માટે અમેરિકા પહોંચી ચુક્યા છે. સૌથી પહેલા તેઓએ અમેરિકી વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ વ્હાઇટ હાઉસમાં અમેરિકી પ્રમુખને મળવા માટે પહોંચ્યા હતા આ મુલાકાત દરમિયાન તેઓએ કિમનો પત્ર ટ્રમ્પને આપ્યો હતો. સાથે સાથે વાતચીતને લઇને ઉત્તર કોરિયાનુ વલણ નક્કી કર્યુ હતુ. ઓવલ ઓફિસમાં ઉત્તર કોરયાના ઉચ્ચ અધિકારી કિમ યોંગ ચોલને મળ્યા મળ્યા બાદ ટ્રમ્પે કહ્યુ છે કે વાતચીત સફળ રહેશે તેમ તેઓ માને છે.વાતચીત પર સમગ્ર વિશ્વની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે હજુ સુધી ઉત્તર કોરિયા પર કોઈપણ નવા પ્રતિબંધ મુકવામાં આવ્યા નથી. સાથે સાથે તેમણે કહ્યું છે કે તેમની પાસે કોઈ નવા પ્રતિબંધ મુકવા માટે કારણ પણ નથી. જ્યાં સુધી આ બેઠક થતી નથી ત્યાં સુધી નવા પ્રતિબંધ મુકાશે નહીં. ઉત્તર કોરિયાના તમામ પ્રતિબંધ દુર થઈ જશે તેવા દિવસનો તેઓ ઈન્તજાર કરે છે. ટ્રમ્પ મુજબ સિંગાપુરમાં ૧૨મી જૂનના દિવસે યોજાનારી બેઠક ઐતિહાસિક બેઠકની શરૂઆત છે. એક વખતે વાતચીતની પ્રક્રિયા શરૂ થયા બાદ નિયમિત રીતે વાતચીત આગળ વધશે. જેથી સંબંધોને સામાન્ય કરવામાં મદદ મળશે.