(એજન્સી) કાબુલ, તા.૮
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલાઓમાં ચાર મહિલાઓ સહિત ૧ર લોકોનાં મૃત્યુ થયા હતા જ્યારે નાટોના હવાઈ હુમલામાં ૯ અફઘાન પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યા હતા. પશ્ચિમી ફરાહ પ્રાંતના ગવર્નરના પ્રવક્તા નાસેર મેહરીએ જણાવ્યું કે, તાલિબાને પ્રાંતમાં એક સૈન્ય ચોકી પર હુમલામાં ચાર સૈનિકોનાં મોત થયા હતા અને અન્ય ૬ ઘાયલ થયા હતા.
સોમવારે મોડી રાત્રે બાલા બુલુક જિલ્લામાં હુમલા શરૂ થયા હતા. મેહરીએ જણાવ્યા મુજબ અફઘાન હવાઈ હુમલામાં ૧૯ તાલિબાની મૃત્યુ પામ્યા અને ૩૦ ઘાયલ થયા હતા. પૂર્વી લોગાર પ્રાંતમાં ચાર મહિલાઓ મૃત્યુ પામી હતી અને ચાર બાળકો ઘાયલ થયા હતા. પૂર્વી ગજની પ્રાંતમાં તાલિબાન હુમલામાં ચાર પોલીસકર્મીનાં મોત થયા હતા.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાની આગેવાનીમાં કાર્યરત નાટો પણ હાલ અફઘાનિસ્તાનમાં ઘાતક હુમલાઓ કરી રહ્યું છે.