અમદાવાદ, તા.૩૦
ધો.૧૦ની પરીક્ષાનું તાજેતરમાં પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે હવે ધો.૧ર સામાન્ય પ્રવાહના રિઝલ્ટની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. આવતી કાલે ગુરૂવારે ધો.૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે. સવારે બોર્ડની વેબસાઈટ ઉપર જ ધો.૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ મૂકી દેવામાં આવશે.
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ધો.૧ર સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થશે. માર્ચ-ર૦૧૮માં ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમ અને વિજ્ઞાન પ્રવાહની સેમેસ્ટર સિસ્ટમની ખાસ પરીક્ષા એપ્રિલ-ર૦૧૮માં લેવામાં આવી હતી. આ પરીક્ષાની માર્કશીટ ૩૧ મેનાં રોજ ૧૧થી ૪ વાગ્યા દરમ્યાન આપવામાં આવશે. તો રાજ્યની વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમ ઉ.મા.શાળાનાં આચાર્યોએ શાળાની માર્કશીટ, પ્રમાણપત્ર મુખત્યાર પત્ર રજૂ કરી મેળવવાના રહેશે. વધુમાં જણાવવાનું કે ધો.૧ર સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમ અને ઉ.મા.પ્ર પરીક્ષા, વિજ્ઞાન પ્રવાહની સેમેસ્ટર સિસ્ટમની ખાસ પરીક્ષા એપ્રિલ-ર૦૧૮માં લેવાયેલ પરીક્ષાનું પરિણામ તા.૩૧ મેનાં રોજ સવારના ૮ કલાકે બોર્ડની વેબસાઈટ www.gseb.org અને www.gipl.net પર જોઈ શકાશે. ધો.૧ર સામાન્ય પ્રવાહની પરીક્ષા રાજ્યના ૩પ જિલ્લા અને કેન્દ્રશાસિત પ્રદેશનાં કુલ ૪૭૬૬૩૪ છાત્રોએ આપી હતી.