(એજન્સી) તા.૨૬
તુતીકોરીનમાં સ્ટર્લાઇટ વિરોધી ૧૩ દેખાવકારોને પોલીસે ઠાર માર્યાના બે દિવસ બાદ વાતાવરણમાં ભારે વેદના, વ્યથા અને આક્રોશ પ્રવર્તે છે. માછીમારીનો મુખ્ય વ્યવસાય ધરાવતા આ ગામમાં સાંકડી શેરીઓના પ્રવેશદ્વારે લાકડા, ઇંટો અને નુકસાન થયેલી નૌકાઓની આડશ ઊભી કરવામાં આવી હતી. આ ગામનું નામ થ્રેશપુરમ છે જ્યાં તુતીકોરીનમાં થયેલા પોલીસ ફાઇરીંગ પર ભારે આક્રોશ પ્રવર્તે છે. તુતીકોરીનના મિની સહાયાપુરમની શેરીઓમાં લોકોમાં ગુસ્સો ભભૂકી રહ્યો છે. અહીં ૧૮ વર્ષની સ્નોલિંન રહેતી હતી. મંગળવારે વિરોધ દેખાવ દરમિયાન તે પણ મૃત્યુ પામી હતી. છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી સ્નોલીને કોપર સ્મેલ્ટર સામે વિરોધ કરવામાં રસ દાખવ્યો હતો. એક સ્થાનિક રહીશના જણાવ્યા પ્રમાણે દેખાવકારો ક્યારેય હિંસક બનવા માગતા ન હતા. તમામ દેખાવકારો રાત સુધી રહેવાના ઇરાદા સાથે વિરોધ કરવા ગયા હતા. તેમને એવી આશા હતી કે તેમના વિરોધ દેખાવને કારણે વહીવટી તંત્રને પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડશે. જો અમે હિંસક બનવા માગતા હોત તો અમારા બાળકોને અમારી સાથે શા માટે લઇ જાત એવું તેમણે જણાવ્યું હતું. વિરોધ પક્ષોએ પોલીસ કાર્યવાહીને ફાસીવાદી હત્યા તરીકે ગણાવી છે. ડીએમકેએ મુખ્ય પ્રધાન પલાનિસ્વામીના રાજીનામાની માગણી કરી છે અને શુક્રવારે રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું હતું. મદ્રાસ હાઇકોર્ટે સરકારને આ હિંસામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો બીજો આદેશ ન થાય ત્યાં સુધી જાળવી રાખવા આદેશ કર્યો છે. હિંસા થઇ છે ત્યારથી તુતીકોરીનમાં બંધ જેવી હાલત છે. દરેક શેરીના ખૂણે પોલીસ કોન્સ્ટેબલો તૈનાત છે અને દરેક વાહન તેમજ લોકોને અટકાવીને તેઓ ક્યાં જઇ રહ્યા છે તેની પૂછપરછ કરે છે. કેટલાક લોકોએ જણાવ્યું હતું કે હવે તેઓ પોતાના ઘરમાંથી બહાર નીકળતા પણ ડરે છે એક દેખાવકાર રાજકુમારે જણાવ્યું હતું કે પોલીસ અમારી ધરપકડ કરીને અમારા પર કેસ ફટકારશે. વરિષ્ઠ આઇએએસ અધિકારી ગગનદીપસિંહ બેદીએ જણાવ્યું હતું કે હવે સ્થિતિ ઓછી તંગ છે.