(સંવાદદાતા દ્ધારા ) ધંધૂકા,તા.૧ર
ધંધૂકા ફેદરા ધોરી માર્ગ પર તા.૧૧ની રાત્રીએ ખીચોખીચ ભરેલી તુફાન જીપ અને રાજુલા ડેપોની એસ.ટીે. બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ દુર્ધટનામાં ૧૩ લોકોને ઈજાઓ થવા પામી હતી. ધંધૂકા પોલીસે તુફાન જીપ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, ધંધૂકા ફેદરા ધોરી માર્ગ પર રાયકા ગામ પાસે તા. ૧૧ની મધ્યરાત્રી બાદ રાજુલા ડેપોની એસ.ટી. બસ જાફરાબાદ -કૃષ્ણનગર(અમદાવાદ)ધંધૂકાથી અમદાવાદ તરફ જઈ રહી હતી. ત્યારે સામેથી પુરઝડપે આવી રહેલ તુફાન જીપના ચાલકે રોંગ સાઈડમાં જઈ અને બસના કંડક્ટર સાઈડમાં જોરદાર ટક્કર સાથે અકસ્માત સજર્યો હતો . અકસ્માતની જાણ થતાં જ ૧૦૮ મારફત અકસ્માતમાં ઘાયલ ગોધરા અને દાહોદ તરફના મજૂરોને ધંધૂકાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા. ૧૩ ઘાયલો પૈકી ૩ની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં ધંધૂકા ઘટનાસ્થળે જઈ તુફાનના ચાલક વિરૂદ્ધ ગુનો નાેંધી વધુ તપાસ હાથ ધરી છે.
આર.ટી.ઓ. અને પોલીસની રહેમનજર હેઠળ લોકોના જીવનના જોખમે નિયમોની અનદેખી કરાય છે.
રાજ્યભરમાં આર.ટી.ઓના કડક નિયમો અને પોલીસ પણ ટ્રાફિકના કડક નિયમોને લઈ ઘણીવાર ચર્ચાના કેન્દ્રમાં રહેતી હોય છે.ત્યારે ખુલ્લેઆમ અને બેફામ રીતે દોડતી અને નિયમોનો ભંગ કરાનારા આવા વાહનચાલકો સામે કેમ પોલીસ ,હાઈવે ટ્રાફિક પોલીસ કે આર.ટી.ઓ કાર્યવાહી નથી કરતી ? લોકોના જીવ સાથે ચેડા સમાન આવી મુસાફરીઓ પર લગામ લગાવવાની સર્વત્ર માંગ ઉઠવા પામી છે. હપ્તા માટે તંત્ર આવા ગેરકાયદે વાહનો સામે આંખઆડા કાન કરતા હોવાનું કહેવાય છે.