ભાવનગર, તા. ૨
ભાવનગર મહાપાલિકા દ્વારા આજથી મોબાઈલ કોર્ટ વાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે ૧૦૦ આસામીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આજે મહાપાલિકા કચેરી ખાતેથી મોબાઈલ વાનનો પ્રારંભ કરાવાયો હતો. ભાવનગર શહેરને ચોખ્ખુચણક બનાવવા ખાસ એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે. જેમાં જાહેરમાં ગંદકી ફેલાવતા તથા જ્યાં ત્યાં કચરો ફેંકતા આસામીઓ સામે કડક હાથે કામ લેવા આજથી હરતી ફરતી કોર્ટ શરૂ કરવામાં આવી છે. જે અન્વયે આજરોજ મોબાઈલ કોર્ટ વાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે આજરોજ મોબાઈલ કોર્ટ વાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કોર્ટ વાન દ્વારા શહેરની શાકમાર્કેટ તથા ગોળબજાર વિસ્તારમાં પ્રથમ દિવસે ૧૦૦ જેટલા આસામીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં જાહેરમાં કચરાનો નિકાલ, દુકાનમાં ડસ્ટબીન ન હોય, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અગર વેચાણ સહિતના ગુના સબબ સ્થળ પર દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રથમ દિને રૂા.૧૩ હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા શહેરમાંથી કચરો, પ્લાસ્ટિક ઝુંબેશ સહિતની કામગીરી કડક બનાવતા તેની સામે આજે ગુરૂવારે વેપારીઓએ રોષ વ્યક્ત કરી શહેરના મોતીબાગ રોડ, એમ.જી. રોડ, સોની બજાર, વોરાબજાર સહિતના વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી દેખાવો કર્યા હતા. જ્યારે બપોર બાદ મામલો થાળે પડ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા મોબાઈલ કોર્ટનો પ્રારંભ થતાં સ્થળ પર જ વિદ્વાન ન્યાયમૂર્તિ દ્વારા દંડ વસૂલવામાં આવતાં આજે ઘણી જ જગ્યાએ દંડ ભરવા માટે આસામીઓની લાઈનો લાગી હતી, પ્રથમ દિવસે ૧૦૦ જેટલા આસામીઓ સામે કેસ થતાં આ આસામીઓએ પ્રથમ દિવસે રૂા. ૧૩ હજારનો દંડ ભર્યો હતો. આ અંગેના વેપારી આલમમાં ઘેરા પડઘા પડ્યા છે અને વેપારીઓમાં રોષ દેખાય છે, એક તરફ મહામંદી છે, વેપાર ધંધો છે નહીં ઉપરથી તંત્ર દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાનો વેપારીઓએ રોષ ઠાલવ્યો હતો.