(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૪
સમગ્ર દેશમાં હવામાનને કારણે લોકો જુદી-જુદી રીતે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ધૂળની આંધીએ હાહાકાર મચાવ્યો છે. રાજસ્થાન, યુપી અને હરિયાણા પણ ધૂળની આંધીથી બાકાત રહ્યા નથી. દિલ્હીમાં પ્રદૂષણને કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. જ્યારે પંજાબના મોટાભાગના વિસ્તારો ધૂળની ચાદરમાં ઢંકાઇ ગયા છે. ચંદીગઢમાં વિમાન સેવાઓ પર તેની માઠી અસર પડી છે. દેશના ઘણા વિસ્તારોમાં આંધી અને ભારે વરસાદથી પૂરને કારણે ઘણા લોકો માર્યા ગયા હોવાના અહેવાલો છે. દિલ્હી અને એનસીઆરમાં ધૂળને કારણે વિઝિબિલિટી પર પણ ભારે અસર પડી છે, સાથે જ નોઇડાની સ્થિતિ પણ ખરાબ છે. ઉત્તર પ્રદેશમાં વિનાશક આંધીથી ઝાડ પડી જવા અને દિવાર તૂટી પડવાને કારણે ૧૦ લોકો માર્યા ગયા છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં લોકોને ઘરોમાં જ રહેવાની સલાહ અપાઇ છે. જ્યારે કેરળમાં ગત મહિનાથી સતત વરસાદ ચાલુ છે. કેરળના કોઝીકોડ અને કન્નુરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. દેશના ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ખાસ કરીને ત્રિપુરા અને મિઝોરમમાં પણ ભારે વરસાદને કારણે પૂર આવતા લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મોટાભાગની નદીઓમાં ધસમસતા પાણીએ ભયજનક સપાટી વટાવી દીધી છે.