ખોલવડ, તા.૨૨
કડોદરા યાર્ન ભરેલી ટ્રક ખાલી કરવાની હતી છતાં ડ્રાઈવરને ધમકાવી કામરેજના ચોર્યાસી ટોલનાકા લઈ જઈ ડ્રાઈવર તથા કંડક્ટરને મારમારી ડ્રાઈવરનું અપહરણ કરી ચૌદ લાખના માલમતાની લૂંટ ચલાવી ભાગી છૂટેલા ચાર જણા વિરૂદ્ધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અલપાણ સોહમ ચોકડી શોહમ રેસિડેન્સીમાં રહેતા સંતોષભાઈ સુરેશભાઈની આઈસર ટ્રક નં. ડીએન-૦૯-જે-૯૨૧૯ લઈને ડ્રાઈવર વિવેક યાદવ અને કંડક્ટર નૌશાદ મહંમદ યુનુસ તા.૧૮/૫/૧૮ના રોજ સુરતથી યાર્ન ભરી સેલવાસ ગયા હતા. તા.૨૦/૫/૧૮ના રોજ સેલવાસથી નિલોસા ઈન્ડસ્ટ્રીઝમાંથી યાર્ન ભરી પરત કડોદરા વાંકાનેર અનમોલ ટ્રાન્સપોર્ટ ઉપર ખાલી કરવા નીકળ્યા હતા ત્યારે સોનુએ ફોન કરી વિવેક પલસાણા ટ્રક ઊભી રાખી મને સાથે લઈ લેવા જણાવતા પલસાણાથી સોનુ ટ્રકમાં બેસી કડોદરા ચોકડી પાસે નીલમ હોટલની પાસે ટ્રક ઊભી રાખતા કંડક્ટર નૌશાદે ડ્રાઈવરને કહ્યું કે, અહીં શું કામે ટ્રક ઊભી રાખી છે ? આપણે તો ચલથાણ ખાલી કરવાની છે તો સોનુ એ કહ્યું કે, તું નવો છે તને નહીં ખબર પડે આ ટ્રક આગળ ખાલી કરવાની છે કહી ટ્રક આગળ લઈને ચાલવાનું કહ્યું હતું. દરમિયાનમાં એક પલ્સર મોટરસાઈકલ ઉપર આવેલ અજાણ્યા ઈસમે સોનુભાઈ સાથે વાત કરી બાદમાં સોનુભાઈએ કહ્યું કે, કંપનીનો માણસ છે. તેને યાર્નની બિલ્ટી આપી દેવાનું કહેતા આપી દીધી હતી. કડોદરાથી ૨૧/૫/૧૮ના રાત્રીના સાડાબારે સોનુભાઈ સાથે ટ્રક કામરેજના ચોર્યાસી ટોલનાકા પછી એકાદ કિ.મી. જતા ટ્રક ઊભી રખાવતા ડ્રાઈવર, કંડક્ટર શેઠ સાથે વાત કરે તે પહેલાં તેમના મોબાઈલ લઈ લઈ પોતે પલ્સર પર આવેલ અજાણ્યો ઈસમ તથા ટવેરા ગાડીમાં વધુ બીજા બે ઈસમોએ ભેગા મળી ડ્રાઈવર કંડક્ટરને મારમારી ડ્રાઈવર વિવેકને ટવેરામાં બેસાડી કંડક્ટરને છોડી મૂકી સોનુભાઈ ટ્રક લઈ ફરાર થઈ ગયા હતા. કામરેજ પોલીસ મથકે ટ્રકના માલિક સતિષભાઈએ સોનુ, પલ્સર મોટરસાઈકલ પર સવાર અજાણ્યો ઈસમ તથા ટવેરામાં આવેલ બે ઈસમો વિરૂદ્ધ અપહરણ અને લૂંટનો ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.