(એજન્સી) તા.ર૪
મેઘાલયના પૂર્વમાં આવેલા જયંતિયા હિલ્સ પર આવેલી કોલસાની ગેરકાયદેસર ખાણમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે ચલાવવામાં આવતા ઓપરેશનના ૪ર દિવસ પછી બચાવકર્મીઓને એક મજૂરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. નૌકાદળના બચાવકર્મીઓને લગભગ ર૦૦ ફૂટની ઊંડાઈએ આ મજૂરનો મૃતદેહ મળ્યો હતો. બાકીના ૧૪ મજૂરો માટે ઓપરેશન હાલમાં ચાલુ છે. મીડિયા અહેવાલો પ્રમાણે મૃતદેહ મળ્યા પછી તેને શીપુંગ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને સોંપી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ૧૩ ડિસેમ્બરે ખાણની બાજુમાં આવેલી નદીનું પાણી ભરાઈ જતા ૧પ મજૂરો ફસાઈ ગયા હતા. આ મજૂરોને બચાવવાના કાર્યમાં એન.ડી.આર.એફ. સાથે નૌકાદળની ટીમ પણ જોડાઈ હતી. પરંતુ તેમને સફળતા મળી ન હતી. આ ખાણ મજૂરોના બચાવકાર્યમાં થઈ રહેલા વિલંબ વિશે સુપ્રીમ કોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી હતી. એન.જી.ટી.નો પ્રતિબંધ હોવા છતાં અહીં કોલસાનું ગેરકાયદેસર ખનન ચાલતું હતું.