વેરાવળ, તા.૧૦
વેરાવળ-સોમનાથ બાયપાસ રોડ પર આજે સવારે ડારી ગામેથી નજીકના નાવદ્રા ગામ તરફ છકડો રીક્ષા જઇ રહેલ તે સમયે રીક્ષા પલટી ખાઇ જતા તેમાં સવાર એક મહિલાનું કમકમાટીભર્યુ મોત નિપજેલ જ્યારે ૧૪ જેટલા મુસાફરોને ઇજાઓ સાથે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાવ્‌આ અંગે પ્રાપ્ત વિગતોનુસાર નજીકના ડારી ગામેથી કોળી પરીવારના સગાસંબંઘીઓ છકડો રીક્ષા નં.જી.જે.- ૧૨ વી-૭૨૮૨માં બેસી નજીકના નાવદ્રા ગામ તરફ જઇ રહેલ હતા. ત્યારે નવેક વાગ્યાના અરસમાં છકડો રીક્ષા વેરાવળ-સોમનાથ બાયપાસ ફોરલેન માર્ગ પર જઇ રહેલ ત્યારે હોટલ રંગીલ સામે ચાલકે કાબુ ગુમાવતા છકડો રીક્ષા પલટી ખાઇ જતા તેમાં સવાર તમામ મુસાફરો હાઇવે પર ફેકાય ગયા હતા. દરમ્યાન હાઇવે પર અન્ય વાહનચાલકો અને આજુબાજુની હોટલાના લોકો દોડી આવી ઇજાગ્રસ્તોને ૧૦૮ને બોલાવી ગંભીર રીતે ઘવાયેલ લોકોને સ્થળ પર પ્રાથમિક સારવાર આપી સિવિલ હોસ્પિટલે ખસેડેલ હતા. જો કે, સંખ્યા વઘુ હોવાથી અમુક ઘાયલોને ખાનગી વાહનોમાં સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબીએ ઘાયલો પૈકી જાનાબેન ખીમાભાઇ ચુડાસમા (ઉ.વ.૪૫)નું મોત થયાનું જાહેર કરેલ જ્યારે બાકીના ૧૪ મુસાફરોને નાની-મોટી ઇજા હોય તમામને જરૂરી સારવાર અપાઈ હતી. આ અકસ્માતની જાણ થતા ડારી ગામના સહિત કોળી સમાજના આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા. આ અકસ્માત અંગે રીક્ષા ચાલક ભરત બામણિયા સામે પોલીસે ગુનો નોંઘી તપાસ હાથ ઘરી છે. બે ઘાયલોની સ્થિતિ ગંભીર હોય તેઓને વઘુ સારવાર અર્થે રીફર કરાયેલ હતા. ઘાયલ તમામ લોકો સગા સંબંઘી હોવાનું જાણવા મળેલ છે.