(એજન્સી) કૂચબિહાર, તા.રર
પશ્ચિમ બંગાળના કૂચબિહાર જિલ્લામાં ગાયની ચોરીની શંકામાં બે વ્યક્તિઓની ઢોરમાર મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના ગુરૂવારે સવારે પૂટીમારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. પોલીસે જણાવ્યું છે કે, બંગાળના કૂચબિહાર વિસ્તારમાં નંબરપ્લેટ વગરની એક ગાડીમાં બે ગાયોને લઈ જવાના આરોપમાં બે લોકોની માર મારીને હત્યા કરવામાં આવી છે. મૃતકોમાં રબીઉલ ઈસ્લામ અને પ્રકાશ દાસનો સમાવેશ થાય છે. આ બન્ને માથાભાંગા વિસ્તારમાં રહેતા હતા. પોલીસે ૧૪ લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
પોલીસ અનુસાર માથાભંગામાં રહેનારા ૩ર વર્ષના પ્રકાશ દાસ અને ૩૭ વર્ષના રબીઉલ ઈસ્લામને વેનમાં બે ગાય ભરીને જતાં ર૦ સ્થાનિક લોકોએ જોઈને રોકી લીધા હતા. આ લોકોએ બન્ને પર ગાયની ચોરીનો આરોપ લગાવી માર માર્યો અને વેનને આગ લગાવી દીધી હતી. પોલીસ અનુસાર આ બન્નેને ટોળાએ પહેલાં વેનમાંથી બહાર કાઢીને પછી લાકડીઓ અને પથ્થરોથી માર મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટોળાને વિખેર્યો હતો. બન્ને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવાતાં તેમને મૃત જાહેર કરાયા હતા. જો કે, પોલીસે એવું કહ્યું કે, હજુ પણ એ સાબિત થતું નથી કે, ખરેખર ગાયની ચોરી થઈ હતી કે નહીં. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી દીધી છે અને વિસ્તારમાં પોલીસની તૈનાતી વધારી દીધી છે. પોલીસે વિવિધ કલમો હેઠળ ૧૪ લોકોની ધરપકડ કરી છે અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.