જામનગર,તા.૮
રાજ્યમાં ગુરૂ-શિષ્યાના સંબંધોને લાંછન લાગે તેવા કિસ્સાઓ છાસવારે સામે આવે છે. જેમાં ગુરૂ દ્વારા આ પવિત્ર સંબંધને કાળુ ટીપુ વાગે તેવી હરકતો સામે આવે છે. જેને લીધે સમગ્ર શિક્ષણ જગતને નીચું જોવાનો વારો આવે છે. ત્યારે આવું અધમ કૃત્ય કરનારાઓને કંટ્રોલમાં રાખવા ન્યાયતંત્ર દ્વારા કડકમાં કડક સજા ફટકારવામાં આવે તેવી માંગ ચોતરફથી ઉઠતી હોય છે ત્યારે આવી માંગને સાર્થક કરતો એક ચુકાદો જામનગર કોર્ટે આપ્યો છે.
જામનગરની એક શાળાના પ્રિન્સીપાલ કમ ટ્રસ્ટીએ તે જ શાળામાં અભ્યાસ કરતી આઠ વર્ષની ફૂલ જેવી બાળકી સાથે અડપલાં કરી દુષ્કૃત્ય ગુજાર્યાની ફરિયાદ થયાં પછી આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીને કુલ ૧૪ વર્ષની કેદ અને રૂા.૭૦,૦૦૦/-નો દંડ ફટકાર્યા છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી જીજસ ક્રાઈસ્ટ સ્કૂલના પ્રિન્સીપાલ અને ટ્રસ્ટી ડેનિયલ આનંદરાય ગવઈ નામના શખ્સ વિરૂદ્ધ આ જ શાળાના ધો.૪માં અભ્યાસ કરતી આઠ વર્ષની એક બાળાને અવાર-નવાર પ્રિન્સીપાલ ડેનિયલે પોતાની કેબિનમાં બોલાવી આ બાળકી સાથે બિભત્સ અડપલાં કરી દુષ્કૃત્ય ગુજાર્યાની ચોંકાવનારી ફરિયાદ થઈ હતી. જે-તે વખતે પોલીસે આઈપીસી-૩૫૪, પોક્સો હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા મૂળ ફરિયાદી તરફથી રોકાયેલા વકીલ તેમજ સરકારી વકીલોએ ૧૫ જેટલા સાહેદ અને દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવા ઉપરાંત તબીબની જુબાની લેવડાવી હતી. જેમાં ફરિયાદી પક્ષના કેસને સમર્થન પ્રાપ્ત થયું હતું.
આ કેસની આજે અંતિમ તારીખ નક્કી થયા પછી એડી. સેશન્સ જજ પી.સી. રાવલે આરોપી ડેનિયલ આનંદરાય ગવઈને તકસીરવાન ઠરાવી આઈપીસી-૩૫૪ના ગુનામાં ત્રણ વર્ષની કેદ અને રૂા.૫૦,૦૦૦/-નો દંડ પોક્સો-૮માં પાંચ વર્ષની કેદ, રૂા.૧૦,૦૦૦/-નો દંડ, પોક્સોની કલમ-૧૦ના ગુનામાં છ વર્ષની કેદ અને રૂા.૧૦,૦૦૦/-નો દંડ ફટકાર્યો છે. આ કેસમાં સરકાર તરફથી પી.પી.કોમલબેન ભટ્ટ, ધવલ વજાણી તથા મૂળ ફરિયાદી તરફથી વકીલ હર્ષદ ભટ્ટ રોકાયા હતા.
આમ આ કેસમાં લંપટ આચાર્યને સજા મળતાં આ સજા અન્ય લોકો માટે દાખલારૂપ બની રહેશે.