(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૩
સરદાર સરોવર નર્મદા ડેમ આજે ૧૩૭.૬૮ મીટરની સપાટી વટાવી ચૂકયો છે અને હવે આગામી સમયમાં ગમે ત્યારે ઓવરફલો થઈ શકે તેમ હોઈ એક તરફ ગુજરાત સરકાર તેની ઉજવણી કરવાની તૈયારીઓ કરી રહી છે. તો બીજી તરફ ડેમમાંથી હાલમાં છોડવામાં આવી રહેલ પાણી તથા ઓવરફલો થયા બાદ છોડાનાર વધુ પાણીના જથ્થાને લીધે કાંઠા વિસ્તારના સંખ્યાબંધ ગામો ઉપર પૂરના પાણીની આફત આવવાની શકયતા સેવાઈ રહી છે. નર્મદા ડેમ ઓવરફલો થાય તો ગુજરાત અને મધ્યપ્રદેશના કાંઠાના આશરે રપ૦થી વધુ ગામોમાં પૂર આવી શકે તેમ હોઈ ચિંતા શરૂ થઈ જવા પામી છે.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવર ફ્લો થવાની તૈયારીમાં છે, ત્યારે ડેમ ઓવરફલો થાય તો, નર્મદાના કાંઠે આવેલા મધ્ય પ્રદેશ અને ગુજરાતના ૨૫૦ જેટલા ગામોમાં નર્મદાના પૂરના પાણી ફળવાની ગંભીર દહેશતને લઈ હવે તંત્ર એકદમ હાઇએલર્ટ પર આવી ગયું છે. હાલ નર્મદા ડેમ ૧૩૭.૬૮ મીટરની સપાટી વટાવી ચૂક્યો છે અને ઓવરફલો થવામાં હવે એક જ મીટરની સપાટી બાકી રહી છે ત્યારે ભરૂચ શહેર અને જિલ્લાના ૪૦થી વધુ ગામોમાં પાણી ઘુસી રહ્યા છે. ડેમ ઓવરફલો થાય તે પહેલાની પરિસ્થિતિમાં જ ભરૂચ-નર્મદા જિલ્લાના ૧૪૪ ગામોના છ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે મધ્યપ્રદેશના પણ ૧૦૦થી વધુ ગામોમાં પાણી ભરાવા લાગ્યા છે. એટલે હવે આગામી સમયમાં વધુ ગામોની સ્થિતિ વણસી શકે છે. દરમ્યાન નર્મદા ડેમ ૧૩૮ મીટરની સપાટી સુધી ભરવા અંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, નર્મદા ડેમ પૂર્ણ રીતે ભરવો અમારો અધિકાર છે, જ્યારે ડેમમાંથી પાણી છોડવું અમારી મજબૂરી છે. મધ્યપ્રદેશ સરકારે પોતાનું કામ પૂર્ણ કર્યું નથી અને વિસ્થાપિતોને ખસેડ્યા પણ નથી. કોંગ્રેસ પહેલેથી જ નર્મદા ડેમ વિરોધી છે.નર્મદા ડેમ ઓવરફ્લોથી એક મીટર જ દૂર છે. જેની સીધી અસર મધ્ય પ્રદેશ અને ગુજરાતના ગામડાઓ પર પડી રહી છે અને ગ્રામજનોને સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે. જેને પગલે ભરૂચ અને નર્મદા જિલ્લાના ૧૪૪ જેટલા ગામો પર સંકટ સર્જાયુ છે. ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારો અને આસપાસના ગામડાઓમાંથી અત્યાર સુધીમાં છ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ મધ્યપ્રદેશના ૧૦૦થી વધુ ગામડાઓમાં સરદાર સરોવર બંધનું પાણી ઘુસી ગયું છે અને અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમના ૩૦માંથી ૨૩ સર્વિસ દરવાજા છે, જ્યારે બીજા ૭ દરવાજા ઇમર્જન્સી દરવાજા છે. જે સંકટ સમયે ખોલવામાં આવે છે. આ સાત દરવાજા જો વધારે માત્રામાં પાણી આવે અને ડેમને નુકસાન થાય તેવુ હોય તો જ ખોલવામાં આવે છે. પરિસ્થિતિ વિકટ બને વધારે પાણી આવે તો જ ઇમર્જન્સી ગેટ ખોલવામાં આવે છે. જેને પગલે આજે એક ઈમર્જન્સી સહિત કુલ ૨૪ દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા મુખ્ય કેનાલની ૪૦ હજાર ક્યૂસેકની કેપેસિટી છે, જો ડેમ સંપૂર્ણપણે ભરાઇ જાય તો ૪૦ હજાર ક્સૂસેક પાણી કેનાલમાં છોડવામાં આવશે અને કેનાલ મારફતે સાબરમતી સહિતની નદીઓ, ડેમો અને તળાવોમાં પાણી છોડવામાં આવશે.
સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફલો થવાની નજીક : તો સંખ્યાબંધ ગામો પર સંકટ

Recent Comments