(એજન્સી) બગદાદ, તા.ર
ઈરાકના સલાહુદ્દીન પ્રાંતના અક રહેણાંક વિસ્તારના ત્રણ ઘરો પર અજ્ઞાત બંદૂકધારીઓએ હુમલો કરી દીધો. આ હુમલામાં ૧૬ લોકોનાં મોત નિપજ્યા હોવાની પુષ્ટિ થઈ છે. જ્યારે ૪ લોકો ઘાયલ થયા છે. સલાહુદ્દીનની પ્રાંતીય પોલીસના લેફ. કર્નલ મોહમ્મદ અલ-જુબૌરીએ મીડિયાકર્મીઓને જણાવ્યું કે, આ હુમલો મંગળવારની સાંજે થયો હતો. મશીનગનોથી સજ્જ બંદૂકધારીઓએ રાજધાની બગદાદથી લગભગ ૬૦ કિ.મી. દૂર દુજૈલ રહેણાંક વિસ્તારના દક્ષિણમાં આવેલા એક ગામના ત્રણ ઘરો પર હુમલો કર્યો હતો.
આ ત્રણેય ઘર રહીમ અલ-મારજૌક નામના એક ન્યાયાધીશના ત્રણ પુત્રોના હતા. તેમણે કહ્યું કે દરેક પીડિતોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. જુબૌરીએ કહ્યું કે ઈરાકી સુરક્ષા દળોએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે જ્યારે સૈનિકોએ આ વિસ્તારને સીલ કરીને હુમલાખોરોની તપાસ કરવા માટે અભિયાન શરૂ કરી દીધું છે. ઈરાકમાં આ કોઈ પહેલો બનાવ નથી કે જ્યારે આ પ્રકારના હુમલાઓ થયા હોય. આ પ્રકારના હુમલાઓ પહેલા પણ ઈરાકમાં થઈ ચૂક્યા છે. ગત વર્ષે ઈરાકના ઘણા ક્ષેત્રોમાં એક પછી એક ઘણા હુમલાઓ થયા હતા. જેની જવાબદારી આતંકી સંગઠનોએ લીધી હતી.