(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.૬
ધોળકા તાલુકાના સરોડા ગામમા આવેલી રાય યુનિવર્સિટીમાંથી પરપ્રાંતિયોને ભગાડી મૂકવાને ઈરાદે સરોડા ગામના ઠાકોરોએ લાકડીઓ સાથે ઘસી જઈ રાય યુનિ.ના મુખ્ય ગેટ ઉપર ગતમોડી રાત્રે હંગામો મચાવી મેઈન ગેટ તોડી નાખવાનો પ્રયત્ન કરતા ચકચાર મચી ગઈ હતી. ધોળકા પોલીસ ટીમ તાબડતોબ ઘટના સ્થળે ઘસી જઈ સીસીટીવી ફૂટેજના આધારે ૧પ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં વિજયકુમાર દેવીપ્રસાદ ત્રિપાઠી (રહે.રામુંયુનિવર્સિટી, સરોડા તા.ધોળકા)એ ૧પ નામ જોગ આરોપીઓ તથા અન્ય ૧૦૦ માણસોના ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં (૧) રસીક અંબાલાલ ઠાકોર, (ર) જશવંતભાઈ બુધાભાઈ, (૩) મુકેશભાઈ કલાભાઈ, (૪) કિશન, (પ) સાગરભાઈ, (૬) દેવાભાઈનો છોકરો, (૭) દિલીપભાઈ, (૮) ફૂલાભાઈ વણઝારા, (૯) વિક્રમભાઈ રસીકભાઈ, (૧૦) કાળુભાઈ ઉર્ફે કોચો, (૧૧) અજયભાઈ રસીકભાઈ, (૧ર) અનિલ દશરથભાઈ, (૧૩) ભાથી, (૧૪) મુકેશભાઈ શંકાભાઈ, (૧પ) બલી તથા બીજા અજાણ્યા ૧૦૦ જેટલા ઈસમો આરોપી નં.૮ સીવાયના તમામ જાતે ઠાકોર (રહે. તમામ સરોડા ગામ તા.ધોળકા)નો સમાવેશ થાય છે. આ ફરિયાદમાં જણાવાયું છે કે, તા.પ/૧૦/ર૦૧૮ની રાત્રે ૯ઃ૪પ વાગે ચલોડા અને સરોડા ઉપર ગામ વચ્ચેના રોડ પર આવેલી રાય યુનિવર્સિટી ઉપર હુમલાનો બનાવ બનેલ છે. સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈમાં ઠાકોરની દિકરી ઉપર બહારના રાજ્યના ઈસમે કરેલ દુષ્કર્મના બનાવનો રોષ ઠાલવવા આરોપીઓ ટ્રેક્ટર તથા મોટરસાઈકલ ઉપર એકેસંપ થઈને આવી હાથમાં લાકડીઓ ધારણ કરી રાય યુનિવર્સિટીના મેઈન ગેટ ઉપર આવી હેકારો હોબાળો કરી ફરિયાદી તથા સાહેદોને મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ. ધોળકાની રાયયુનિવર્સિટીમાં ઘૂસી પરપ્રાંતિયોને મારવાની કોશીશ કરતા ધોળકા પંથકમા ખળભળાટ મચી ગયો છે. ધોળકા રૂરલ પોલીસ મથકના પીએસઆઈ એન.એમ.ચૌધરી તથા સ્ટાફે આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરેલ છે.