(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૮,
વડોદરા મહાનગર પાલિકાના વિવિધ કૌભાંડો નિષ્કાળજી અને ગેરરીતિમાં સંડોવાયેલા ૩ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ આજે પાલિકાનાં બીજા ૧૫ અધિકારીઓ સામે એક સાથે શિક્ષાત્મક કાર્યવાહીનાં આદેશો આજે કમિશ્નર દ્વારા જાહેર કરાયા હતા. જેમાં ૬ અધિકારીઓને ચાર્જશીટ અને ૫ અધિકારીઓને શોકોજ નોટીસ અને ૭ અધિકારીઓ સામે ખાતાકીય તપાસનાં આદેશો જાહેર કર્યા હતા. જોકે આ પૈકીના ૨ અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી થતા કુલ ૧૫ અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી થશે. સ્ટેટ વિજીલન્સે પાણીનાં મીટર ખરીદી કૌભાંડમાં ૩ અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી અને ૮ સામે હળવી કાર્યવાહીનાં આદેશ આપ્યા હતા.
આજે આ અધિકારીઓ પૈકી શૈલેષ મિસ્ત્રી, પ્રશાંત પરમાર અને પર્વતસિંહ ભાભોરને ચાર્જશીટ અને અમૃત મકવાણા, રાજેન્દ્ર વસાવા, પ્રમોદ વસાવા, કાદર ખત્રી અને કિરણ પટેલને શોકોઝ નોટીસ અપાઇ હતી. જ્યારે ડામર કૌભાંડમાં ધિરેન તળપદા, ભાર્ગવ પંડીત, કપીલ તિવારી, બ્રિજેશ ચૌધરી, જીગર સાયનીયા, સચિન સાળુકે અને ધર્મેન્દ્ર શાહ સામે ખાતાકીય તપાસનાં આદેશો આપ્યા હતા. આ ઉપરાંત કમાટીબાગની કામગીરીમાં દાખવેલી બેદરકારી બદલ ધિરેન તળપદા અને રાજેન્દ્ર વસાવા સામે પણ ચાર્જશીટ આપવાની કાર્યવાહી શરૂ કરી હતી. એક સાથે ૧૫ અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહીનાં આદેશો થતા કોર્પોરેશનમાં ચર્ચાનો વિષય બન્યો હતો.