(એજન્સીં) બેંગ્લુરૂ, ૧૬
ભાજપના સિનિયર નેતા અને પ્રવક્તા સુરેશ કુમારે બુધવારે રાતે જણાવ્યું હતું કે, કર્ણાટક ભાજપના વિધાન પરિષદના નેતા બીએસ યેદીયુરપ્પા મુખ્યમંત્રી પદની ગુરૂવારે સવારે શપથ લેશે. કુમારે એક ટિ્‌વટમાં કહ્યું કે, યેદીયુરપ્પા સવારે ૯.૩૦ કલાકે રાજભવન ખાતે શપથ લેશે. જોકે, કોંગ્રેસ અને જેડીએસ વજુભાઇ વાળાના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે અને સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રારને અરજી સોંપી દીધી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે રાત્રે જ સુનાવણી કરવાનો નિર્ણય લીધો હતો. આ પહેલા રાજ્યપાલ વજુભાઇ વાળાએ આશ્ચર્ય વચ્ચે યેદીયુરપ્પાને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું હતું. રાજ્યપાલે યેદીયુરપ્પાને બહુમતી સાબિત કરવા માટે ૧૫ દિવસનો સમય આપ્યો છે. બુધવારે સાંજે જોકે, સત્તાવાર જાહેરાત પહેલા જ ભાજપ દ્વારા આ અંગેની ટિ્‌વટ કરાઇ હતી જોકે, બાદમાં તેને ડિલિટ કરી દેવાઇ હતી. ટિ્‌વટમાં યેદીયુરપ્પા શપથ લેશે તેવી ટિ્‌વટ ભાજપની સત્તાવાર વેબસાઇટ પર ચાલી રહી હતી. નોંધનીય છે કે, કર્ણાટકમાં કોઇપણ પાર્ટીને બહુમતી મળી નથી. ભાજપ સૌથી મોટી પાર્ટી છે જ્યારે કોંગ્રેસને ૭૮ બેઠકો મળી છે અને જેડીએસને ૩૮ બેઠકો મળી છે જેઓ બંને ગઠબંધન કરી કુલ આંકડો બહુમતીને પાર કરી દીધો હતો. તેમ છતાં તેમને આમંત્રણ અપાયું નહોતું. તેથી કોંગ્રેસ અને જેડીએસે વજુભાઇ વાળાના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં વાંધો ઉઠાવ્યો હતો. જેડીએસે બુધવારે સાંજે જ રાજ્યપાલને પોતાના સમર્થનવાળા ધારાસભ્યોની યાદી સોંપી દીધી હતી અને એકદમ ગેરવાજબી રીતે યેદીયુરપ્પાને સરકાર બનાવવા આમંત્રણ આપી દીધું હતું.

આ વખતે કર્ણાટકના ધારાસભ્યો માટે કોંગ્રેસ ફરી બેંગલુરૂ રિસોર્ટમાં

કર્ણાટકમાં સરકાર બનાવવાના જાદૂઇ ૧૧૨ના આંકડા સુધી પહોંચવા માટે ભાજપને ઓછામાં ઓછા ૮ ધારાસભ્યોની જરૂર હોવાથી ભાજપ કોંગ્રેસ અને જનતાદળ (એસ)ના ધારાસભ્યોને પોતાની તરફ ખેંચવાના પ્રયાસો કરી રહ્યો હોવાથી કોંગ્રેસ અને જનતાદળ (એસ) બંને પોતાના ધારાસભ્યોનું રક્ષણ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાત પછી હવે કર્ણાટક માટે કોંગ્રેસે તેના ધારાસભ્યોને બેંગલુરૂ નજીક આવેલા ઇગલટન ગોલ્ફ રિસોર્ટમાં લઇ જવાનો નિર્ણય કર્યો છે. કર્ણાટકમાં કોંગ્રેસના નવા ધારાસભ્યો આ ફાઇવ સ્ટાર રિસોર્ટમાં પેડ હોલિડે પર છે. ૧૧૨ના જાદૂઇ આંકડા માટેની ભીષણ રેસમાં પોતાના ધારાસભ્યોને બચાવવા માટે કોંગ્રેસ ભારે ચિંતિત છે. કોંગ્રેસના નવા ચૂંટાયેલા ૭૮ ધારાસભ્યોની બુધવારે સવારે યોજાનારી બેઠક પહેલાં ત્રણ ધારાસભ્યો લાપતા થયા હતા. પક્ષ દ્વારા આ ત્રણ ધારાસભ્યોનો સંપર્ક સાધી શકાયો ન હતો. આખરે પક્ષની બેઠક શરૂ થઇ ત્યારે એક ડઝન ધારાસભ્યોની અનુપસ્થિતિ કોંગ્રેસ માટે ચિંતાજનક હતી. કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારે જણાવ્યું કે ભાજપ અમારા ધારાસભ્યોને પોતાની પડખે લઇ જવાના પ્રયાસો કરી રહ્યો છે અને આ બાબત અમે જાણીએ છીએ. દરરોજ ભારે દબાણ છે પરંતુ બંને પક્ષો પાસે જરૂરી સંખ્યા હોવાથી ભાજપ માટે આ આટલું સરળ નથી. તેમ છતાં અમે જરૂરી બધા જ પગલાં ભરી રહ્યા છીએ.

‘‘ઓપરેશન કમળ’’ : ભાજપે અમારા ધારાસભ્યોને ૧૦૦ કરોડ રૂપિયાની ઓફર કરી : કુમારસ્વામી

(એજન્સી) બેંગ્લુરૂ, તા. ૧૬
જેડીએસના નેતા એચડી કુમારસ્વામીએ ભાજપ પર ગંભીર આરોપ મુકતા કહ્યું છે કે, ભાજપે જનતા દળ (એસ)ના ધારાસભ્યોને ખરીદવા માટે ૧૦૦ કરોડ રૂપિયાની ઓફર કરી છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે, ધારાસભ્યોને લાલચ અપાઇ છે કે, જો તેઓ ભાજપને ટેકો આપશે તો તેમને મંત્રીમંડળમાં સ્થાન અપાશે. સાથે જ જેડીએસે ભાજપને ચેતવણી પણ આપી દીધી છે કે, જો તેમના ધારાસભ્યો તોડવાના પ્રયાસ કરાશે તો ભાજપના ડબલ ધારાસભ્યો તોડશે. નોંધનીય છે કે, જેડીએસની બેઠકમાં કુમારસ્વામીને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. બેઠક બાદ તેમણે પત્રકાર પરિષદ કરીને ભાજપ પર તેમના ધારાસભ્યોને ૧૦૦ કરોડ રૂપિયા અને મંત્રીપદની લાલચ આપી હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે સવાલ કર્યો હતો કે, ભાજપ પાસે આટલા નાણા ક્યાંથી આવ્યા અને શું તે કાળુ નાણું તો નથી ને ? તેમણે કહ્યું કે, લોકોને ૧૫ લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો તે આપવા માટે તેમની પાસે નાંણા નથી જ્યારે ધારાસભ્યો ખરીદવા માટે નાંણા છે. ભાજપ દ્વારા જેડીઅએસના ધારાસભ્યો ખરીદવાના આરોપને ફગાવતા તેમણે કહ્યું કે, ઓપરેશન કમળ સફળ થવાની વાત તો દૂર છે, પણ ભાજપના ધારાસભ્યો જેડીએસના સમર્થનમાં છે. તેમણે ભાજપને પડકાર પણ ફેંક્યો હતો જો ભાજપ તેમના ૧૦ ધારાસભ્યો ખરીદશે તો તેઓ ભાજપના ૨૦ ધારાસભ્યો તોડશે. તેમણે રાજ્યપાલને પણ અપીલ કરી હતી કે, હોર્સ ટ્રેડિંગ ન થાય તેનું ધ્યાન રાખે. કુમારસ્વામીએ ભાજપના પ્રભારી પ્રકાશ જાવડેકરને મળવાની વાતનો ઇન્કાર કરતા કહ્યું હતું કે, આ પ્રકાશ જાવડેકર કોણ છે. તેમણે ભાજપ પર કેન્દ્રમાં સત્તા પર આવ્યા બાદ બંધારણીય સંસ્થાનોમાં દખલ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. કુમારસ્વામીએ કહ્યું કે, અમને બંને તરફથી પ્રસ્તાવ આવ્યા હતા પણ અમે કોંગ્રેસ સાથે જવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે મારા પિતા અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા પર ૨૦૦૪ અને ૨૦૦૫માં ભાજપ સાથે જવાનો નિર્ણય લેવા મામલે કલંક લાગ્યું હતું જેને તેઓને મિટાવવાની તક મળી છે અને તેથી જ તેઓ કોંગ્રેસનો સાથ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, રાજ્યને ધર્મનિરપેક્ષ સરકાર મળવી જોઇએ અને તે માટે કોંગ્રેસની સાથે આવ્યા છે.

સરકાર બનાવવા માટે જરૂરી ૧૧૭ ધારાસભ્યોની
યાદી અમે સુપરત કરી દીધી છે : કુમાર સ્વામી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૬
કર્ણાટકમાં સરકાર બનાવવા માટે દાવો કરવા જનતા દળ (એસ)ના નેતા એચ.ડી.કુમાર સ્વામી અને તેમના પક્ષના ૩૭ ધારાસભ્યોએ બુધવારે રાજ્યના રાજ્યપાલ વજુભાઇ વાળાને મળ્યા હતા. એક પત્રકાર પરિષદને સંબોધતા કુમાર સ્વામીએ જણાવ્યું કે પક્ષે કર્ણાટકમાં સ્થિર સરકાર રચવા માટે જરૂરી ૧૧૭ ધારાસભ્યોની યાદી સુપરત કરી દીધી છે. સરકાર બનાવવા માટે જરૂરી ધારાસભ્યોની સંખ્યા અમારી પાસે હોવાનું દર્શાવતા જરૂરી દસ્તાવેજો પણ અમે સુપરત કરી દીધા છે. રાજ્યપાલે બંધારણ મુજબ વિચારણા કરવાનું અમને વચન આપ્યું છે. જનતા દળ (એસ) અને કોંગ્રેસ સંગઠિત છે. તેમણે એવું પણ જણાવ્યું કે ધારાસભ્યોના સમર્થનનો પત્ર પણ અમે રાજ્યપાલને સુપરત કરી દીધો છે. કર્ણાટકના રાજ્યપાલને મળ્યા બાદ જનતા દળ (એસ)ના નેતાએ કહ્યું કે લોકશાહી બચાવવા માટે તેમનો પક્ષ કંઇ પણ કરશે. સ્થિર સરકાર બનાવવા માટે અમારી પાસે પુરતી સંખ્યા છે. અમારા ધારાસભ્યો અડગ છે. અગાઉ, ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાઇ આવેલા બી.એસ.યેદિયુરપ્પાએ પણ કર્ણાટકના રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી અને ગુરૂવાર સુધી બહુમતી બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જ્યારે કોંગ્રેસના ડીકે શિવકુમારે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે અમને રાજ્યપાલમાં સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ અન્યાય કરશે નહીં. અમારા બધા ધારાસભ્યો અમારી સાથે છે, એક પણ ધારાસભ્ય અમારાથી અલગ થયો નથી. અમે આવું કશું જ થવા દઇશું નહીં.