(એજન્સી) કાબૂલ, તા.૧૧
સતત આતંકી હુમલાઓનો માર સહન કરી રહેલા અફઘાનિસ્તાનનો એકવાર ફરીથી આતંકીઓએ નિશાન બનાવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કુદ્દુસ પ્રાંતમાં મોટો તાલિબાની હુમલો થયો છે તેમાં ૧પ સુરક્ષા કર્મીઓ માર્યા ગયા છે અને અન્ય ઘણા ઘાયલ થયા છે. મૃત્યુનો આ આંકડો વધે તેવી શક્યતા છે. અહેવાલમાં એ પુષ્ટિ કરવામાં આવી છે કે, બંદૂકધારીઓએ જલાલાબાદમાં આવેલ શિક્ષણ વિભાગની ઈમારત પર હુમલો કર્યો અને હજુ પણ બંદૂકધારીઓ તાબડતોડ ગોળીઓનો વરસાદ વરસાવી રહ્યા છે. બીજી તરફ, નાગરહારના જલાલાબાદ શહેરમાં પણ બોમ્બ વિસ્ફોટ થયો છે. જો કે, હજ સુધી જાનમાલને નુકસાન થયા હોવાના કોઈપણ અહેવાલ મળ્યા નથી. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં શનિવારે (૯ જૂન) તાલિબાને અફઘાનિસ્તાનના કુદ્દુસ પ્રાંતમાં એક લશ્કરી છાવણી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ૧૯ સુરક્ષાકર્મીઓના મોત નિપજ્યા હતા. આ હુમલો તાલિબાન તરફથી સીઝ ફાયરની ઘોષણાના કેટલાક કલાકો બાદ કરવામાં આવ્યો હતો.