(એજન્સી) કાબુલ, તા.૧૭
અફઘાનિસ્તાનના બે પ્રાંતોમાં ભીષણ યુદ્ધમાં ૧પ પોલીસ કર્મીઓનાં મોત નિપજ્યા છે. સોમવારે એક અધિકારીએ આ બાબતની જાણકારી આપી હતી. એક અધિકારીએ ન્યુઝ એજન્સીને જણાવ્યું કે, બાદગીસ પ્રાંતની રાજધાની કલા-એ-નૌમાં તાલિબાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા એક હુમલામાં પાંચ પોલીસ અધિકારીઓનાં મોત નિપજ્યા છે. અધિકારીએ કહ્યું કે, સોમવારે સવારે થયેલી અથડામણમાં ઘણાં આતંકીઓનાં પણ મોત થયા છે, પરંતુ આતંકીઓનાં મોતની સંખ્યા હજુ સુધી સ્પષ્ટ થઈ શકી નથી. ઈરાનની સરહદ સાથે જોડાયેલા ફરાહ પ્રાંતના પુશ્ત રોડ જિલ્લાના ગજજિન ગામમાં રવિવારે રાત્રે યુદ્ધ શરૂ થયા બાદ ૧૦ પોલીસ અધિકારીઓના મોત નિપજ્યા. અધિકારી અનુસાર, તાલિબાની આતંકવાદીઓએ વિસ્તારમાં સુરક્ષા ચોકીઓનો વિનાશ કરતાં પહેલાં ચોકીઓ પર હુમલો કરીને હથિયાર અને દારૂગોળાઓ આંચકી લીધા. સંઘર્ષ બાદ બે પોલીસ અધિકારીઓ ગુમ થઈ ગયા છે.