અમદાવાદ, તા. ૩
રાજકોટના રામનાથપરામાં બે જૂથ વચ્ચે અથડામણ થતાં તંગદિલી વ્યાપી ગઈ હતી. સામ સામે થયેલ પથ્થર મારામાં ૧પથી વધુ લોકોને ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ધસી આવ્યો હતો અને પ૦થી વધુની અટકાયત કરી હતી. હાલમાં પરિસ્થિતિ અંકુશ હેઠળ હોવાનું જાણવા મળેલ છે.
બનાવની વિગત અનુસાર રાજકોટના રામનાથ પરામાં જૂની અદાવતમાં બે જૂથના લોકો સામસામે આવી જતાં પથ્થરમારો અને સોડા બોટલોના ઘા કરાયા હતા. પથ્થરમારાના બનમાવના પગલે દુકાનો ટપોટપ બંધ થઈ હતી અને લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તરત જ કોમ્પિગ શરૂ કરી પ૦થી વધુની અટકાયત કરી હતી જ્યારે આ અથડામણમાં ૧પથી વધુને ઈજા પહોંચતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવમાં કેટલાક શકમંદોની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી. આ અથડામણમાં તોફાની ટોળાએ વાહનોમાં તોડફોડ કરી હતી. બનાવના પગલે વધુ પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત કરી દેવાયો હતો. એલસીબી પોલીસ એસ.ઓ.જી. ક્રાઈમબ્રાંચ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો તથા એસઆરપીનો કાફલો પણ બોલાવાયો છે. હાલમાં પરિસ્થિતિ અંકુશ હેઠળ હોવાનું જાણવા મળેલ છે.