(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૧
અમદાવાદમાં પાસના નેતાઓના પ્રતિક ધરણા પોલીસ દ્વારા અટકાવાયા હતા.જેના વિરોધમાં સુરત કોંગ્રેસના ચાર કોર્પોરેટરો સહિતનાઓએ વરાછાના માનગઢ ચોક ખાતે ચક્કાજામ કર્યો હતો.આ ઘટનામાં સુરત પોલીસે કુલ ૧૫૦ જણા સામે ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા અમદાવાદમાં ગત રવિવારના રોજ એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. જેના સમર્થનમાં કોઇપણ પ્રકારની પરમિશન મેળવ્યા વિના જ સુરતમાં પાસના કાર્યકર્તાઓ માયકલ ઉર્ફે મહેશ વાઘાણી, મહેશ કેવડિયા, જયશ્રી પડસાલા, ભારતી પટેલ, મયુર સાજપડા સહિત ૧૫૦ જેટલા પાસના સમર્થકો મીની બજાર ખાતે આવેલા માનગઢ ચોકમાં એકઠા થઇ ગયા હતા. તેમની સાથે કોંગ્રેસના નેતા અને કોર્પોરેટર અશોક જીરાવાળા તથા કોર્પોરેટર દિનેશ કાછડિયા, કોર્પોરેટર દક્ષાબેન ભુવા, કોર્પોરેટર મનોજ પરબતભાઇ ચોવટિયા તથા પૂર્વ મહિલા પ્રમુખ ભારતીબેન પ્રકાશભાઇ પટેલ ભારતીબેન પ્રકાશભાઇ પટેલ સહિતનાઓ પણ જોડાયા હતા. પરમિશન વગર એકઠા થયેલા ટોળાએ રસ્તા પર ચક્કાજામ કરી દીધો હતો અને ત્યાંથી પસાર થતાં વાહનચાલકોને વાહનો રોકી રાહદારીઓને હેરાન કર્યા હતાં. જેથી આખરે પોલીસે જાહેર સલામતી માટે ટોળાને રસ્તા પરથી હટી જવા માટે આદેશ આપ્યા હતાં. જો કે, તેમ છતાં કોંગ્રેસના કોર્પોરેટરો, પાસના કાર્યકર્તાઓ અને તેના સમર્થકોએ ધરણા ચાલુ રાખ્યા હતા. જેથી આખરે પોલીસને બળજબરી કરવાની ફરજ પડી હતી. પરંતુ આ દરમિયાન ટોળાએ પોલીસની સરકારી ફરજમાં રુકાવટ કરી હતી. જેથી વરાછા પોલીસ મથકના પીએસઆઇ વી. કે. રાઠોડ વરાછા પોલીસ મથકમાં કોંગ્રેસના ત્રણેય કોર્પોરેટર, પાસના કાર્યકર્તાઓ અને સમર્થકો સહિત કુલ ૧૫૦થી વધુ સામે ગેરકાદેસર મંડળી રચવાનો તથા સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.