(એજન્સી) સૈફાઈ, તા.ર૧
મંગળવારે ઉત્તરપ્રદેશના ઈટાવા જિલ્લાની એક યુનિ.માં કથિતરૂપે પ્રથમ વર્ષના મેડિકલના વિદ્યાર્થીઓનું સિનિયર્સ દ્વારા રેગિંગ કરવામાં આવતું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં મેડિકલના લગભગ ૧પ૦ વિદ્યાર્થીઓના સમૂહને મુંડન કરાવવાની અને તેમના સિનિયર્સને સલામી આપવાની ફરજ પાડવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે. આ ઘટનાના વીડિયોમાં વિદ્યાર્થીઓ તેમના સિનિયર્સ સામે ઘૂંટણિયે પડી રહ્યાં હોવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ વીડિયો વ્યાપક સ્તરે વાયરલ થયો હોવાથી યુપીના સૈફઈ ગામમાં આવેલ ઉત્તરપ્રદેશ યુનિ. ઓફ મેડિકલ સાયન્સના વહીવટી તંત્રને હરકતમાં આવવું પડયું છે. યુનિ.ના વાઈસ ચાન્સેલર ડૉ.રાજકુમારે દાવો કર્યો છે કે આ સંસ્થામાં રેગિંગ જેવી બાબતોની ચકાસણી કરવા માટે સ્પેશિયલ સ્કવોડ રાખવામાં આવી છે અને અગાઉ આવા જ કેટલાક કિસ્સાઓમાં વિદ્યાર્થીઓને સસ્પેન્ડ પણ કરી દેવાયા છે. અમે આવી પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને અમારી સંસ્થામાં વિદ્યાર્થીઓના સામાજિક કલ્યાણ માટે અલગથી એક ડીનની નિમણૂક કરાયેલ છે. આ સિવાય પણ આવા કિસ્સાઓની ફરિયાદનો ઉકેલ લાવવા માટે અમારી સંસ્થામાં રેગિંગ વિરોધી સમિતિ પણ કાર્યરત છે. ઉપરાંત વિદ્યાર્થીઓ રેગિંગ અંગેની ફરિયાદ રેગિંગ વિરોધી સમિતિની સાથે સાથે તેમના વોર્ડનને પણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, યુપીની આ યુનિ.ના મેડિકલના વિદ્યાર્થીઓનો રેગિંગનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મેડિકલના મુંડન કરાયેલા ૧પ૦ જેટલા વિદ્યાર્થીઓ સફેદ વસ્ત્રો ધારણ કરીને એક જ હરોળમાં ચાલી રહ્યા છે. જ્યારે બીજા એક વીડિયોમાં આ વિદ્યાર્થીઓને જોગિંગ કરતા અને તેમના સિનિયર્સને સલામ કરતા પણ જોઈ શકાય છે. ત્રીજા વીડિયોમાં આ વિદ્યાર્થીઓની નજીક એક સુરક્ષાકર્મીને પણ ઊભેલો જોઈ શકાય છે પરંતુ કથિત રૂપે તે શખ્સ પણ વિદ્યાર્થીઓના રેગિંગને અટકાવવાનો પ્રયત્ત કરી રહ્યો નથી. યુનિ.ના વાઈસ ચાન્સેલર (કુલપતિ)એ આ અંગે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, આમાં જે પણ સામેલ હશે તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અગાઉ પણ અમે આમાં સામેલ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે. હું જુનિયર્સને ખાતરી આપવા ઈચ્છું છું કે તેમણે આ અંગે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. નોંધનીય છે કે, સૈફઈ ગામમાં ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીઓ મુલાયમસિંહ યાદવનું તથા તેમના પુત્ર અખિલેશ યાદવનું ઘર આવેલું છે. સમાજવાદી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ મુલાયમ તથા વર્તમાન અધ્યક્ષ અખિલેશ યાદવના પરિવારના સભ્યો આજે પણ આ ગામમાં રહે છે. આ યુનિ.ની સ્થાપના મુલાયમસિંહ યાદવના મુખ્યમંત્રી કાળ દરમિયાન કરવામાં આવી હતી.