અમદાવાદ,તા.ર૪
પારદર્શક વહીવટ અને ગતિશીલ ગુજરાતની વાતો કરતી ગુજરાત સરકારના શાસનમાં જાણે ભ્રષ્ટાચારનો પણ પારદર્શક વહીવટ થતો હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે છેલ્લા પાંચ વર્ષમાં રાજયમાં કલાસ-૧થી કલાસ-૪ સુધીના સરકારી કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરતા ઝડપાયા છે. પાંચ વર્ષમાં ૧ર૭૦ ભ્રષ્ટાચારના નોંધાયેલા ગુનામાં ૧પ૦૦ સરકારી કર્મચારીઓ એન્ટી કરપ્શન બ્યુરોની ઝપટમાં આવી ગયા છે. રાજયમાં માર્ચ ર૦૧૮ની સ્થિતિ છેલ્લા પાંચ વર્ષમાં એસીબી (એન્ટી કરપ્શન બ્યુરો) દ્વારા નોંધાયેલા ગુના અંગે ગુજરાત સરકારના આંકડાઓ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં લાંચ રૂશ્વતના કુલ ૧ર૭૦ ગુના નોંધાયા હતા. જેમાં વર્ષવાર નોંધાયેલા ગુના ઉપર નજર કરીએ તો વર્ષ ર૦૧૩માં રર૪ ગુના, વર્ષ ર૦૧૪માં ર૭પ, વર્ષ ર૦૧પમાં ૩૦પ, વર્ષ ર૦૧૬માં રપ૮, વર્ષ ર૦૧૭માં ૧૪૮ અને માર્ચ-ર૦૧૮ સુધીમાં ૬૦ ગુના નોંધાયા હતા જયારે એસીબી નોંધેલા ગુનામાં ૧પ૦૧ સરકારી કર્મચારીઓ પકડાયા છે. વર્ગ-૧માં ૮પ, વર્ગ-રમાં ર૦૪, વર્ગ-૩માં ૧૧પ૯ અને વર્ગ-૪ પ૩ કર્મચારીઓને ભ્રષ્ટાચાર કરતા એસીબીએ આબાદ ઝડપી લીધા હતા.
સરકારના વર્ગ-૩ના કર્મચારીઓમાં સૌથી વધુ લાંચ લેવાતી હોવાનું આ આંકડાઓ પરથી ફળિત થાય છે જો કે વર્ગ-૧ના સરકારી અધિકારીઓ પણ લાંચ લેવામાં બાકાત નથી. ત્યારે ગુજરાત સરકાર પારદર્શક વહીવટની વાતો કરે છે. ત્યારે બિન્દાસ ભ્રષ્ટાચારના પારદર્શકની તો વાત નથી ને ? તેવો સવાલ ઉભો થયો છે જો કે આ તો એસીબીની ઝપટમાં આવેલા સરકારી અધિકારીઓની વાત છે. જો કે ચતુરાઈપૂર્વક છુપી રીતે ભ્રષ્ટાચારનો આંકડો કેટલો હશે ? તે તપાસોનો વિષય છે.

કયા વર્ગના સરકારી કર્મી
લાંચ લેતાં ઝડપાયા ?
વર્ગ લાંચ લેતાં
પકડાયેલાની સંખ્યા
વર્ગ-૧ ૮પ
વર્ગ-ર ર૦૪
વર્ગ-૩ ૧૧પ૯
વર્ગ-૪ પ૩
કુલ ૧પ૦૧