(એજન્સી) મુંબઈ, તા.૯
ભાજપની સાથે પોતાના સંબંધોમાં ઉતાર ચઢાવની સ્થિતિ વચ્ચે શિવસેનાએ આગામી વિધાનસભાની ચૂંટણી માટે ૧૫૨ સીટો ઉપર લડવાની વાત કરી છે. શિવસેના ઈચ્છે છે કે ૨૮૮ સીટો પૈકી તે ૧૩૬ સીટો જ ભાજપ માટે છોડે. જેથી વધુમાં વધુ સીટો જીતી શકે અને મુખ્યમંત્રી પદ માટે દાવો કરી શકે. રાજકીય નિષ્ણાતોના કહેવા મુજબ શિવસેનાનું આ પગલું ઉદ્ધવ ઠાકરેની એવી યોજના હિસ્સા તરીકે છે જે હેઠળ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ મેળવવાની તેમની ઈચ્છા છે. અલબત્ત ભાજપની યોજના માતોશ્રીને પ્રથમ પ્રાથમિકતા આપવાની દેખાઈ રહી નથી. ૨૦૧૪ની બેઠકોની વહેંચણી ફોર્મ્યુલા પર શિવસેના ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ સાથે ઉતરવા માટે તૈયાર છે. છતાં પણ આનાથી મોટો પ્રશ્ન એ છે કે લોકસભા બાદ વિધાનસભા ચૂંટણીમાં શું કરશે. નિષ્ણાતોની વાત માનવામાં આવે તો લોકસભા ચૂંટણીમાં પોતાની તાકાતને અજમાવી લીધા બાદ શિવસેના વિધાનસભા ચૂંટણીમાં એકલાહાથે પણ મેદાનમાં ઉતરી શકે છે. શુક્રવારના દિવસે શિવેસનાના એક નેતાએ કહ્યું હતું કે આ અમારા માટે મોટી ભુલ તરીકે રહેશે. જો ભાજપ કેન્દ્રમાં ફરી સત્તામાં વાપસી કરે છે તો મહારાષ્ટ્રના લોકોના મૂડમાં પણ ફેરફાર થશે. આવી સ્થિતિમાં શિવસેના જો ભાજપથી અલગ થઈને મેદાનમાં ઉતરશે તો તેને મોટો ફટકો પડી શકે છે. એમ માનવામાં આવે છે કે આ સપ્તાહની શરૂઆતમાં માતોશ્રી ખાતે ભાજપ પ્રમુખ અમિત શાહે શિવસેના વડા ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમ્યાન ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાને ૧૫૨ સીટો આપવાની દરખાસ્ત રજુ કરી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અમિત શાહે ઠાકરેના આ પ્રસ્તાવ પર કહ્યું હતું કે તેઓ વહેલીતકે ફરીથી બેઠકોની વહેંચણીના સંદર્ભમાં વાતચીત કરશે. પાર્ટી સૂત્રોના કહેવા મુજબ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ શિવસેનાને ૧૩૦થી વધુ સીટો આપવાના મૂડમાં નથી. અમિત ભાજપના નેતાઓ, સાંસદો, ધારાસભ્યોને કહી ચુક્યા છે કે તેઓ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં એકલાહાથે લડવા પણ તૈયાર રહે.