સુરેન્દ્રનગર, તા.૧૮
શિહોરીથી મજૂરો લઈને જતી પીકઅપ વાહન અને બગોદરા હાઈવે પર કારનું ટાયર ફાટતાં પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ અકસ્માતમાં ૧૫થી વધુને ઇજા અને પાંચની હાલત ગંભીર થતા ૧૦૮ની મદદથી અનેક ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિત મુજબ શિહોરી ગામથી ચણા વાઢવા મજૂરો ભરી જઇ રહેલ પીકઅપ બગોદરા-ધંધુકા હાઈવે ધીગડા ગામ પાસે પલટી મારી હતી જેમાં ૧પથી વધુને ગંભીર ઈજા થતા બગોદરા-વટામણ એમ બે ૧૦૮ દ્વારા ઈજાગ્રસ્તોને બગોદરા આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવ્યા હતા અને આ અકસ્માતના પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોગ્ય તંત્ર ઇજાગ્રસ્તોની સારવાર કરવા કામે લાગ્યું હતું. આરોગ્ય કેન્દ્રમાં સગાસંબંધીના ટોળા ઉમટ્યા હતા.