ઢાકા, તા.૧૩
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ જણાવ્યંુ હતું કે, સાત લાખ રોહિંગ્યા મુસ્લિમોને બાંગ્લાદેશમાં ભોજન મળી શકે છે. એક શરણાર્થી કેમ્પની મુલાકાત લીધા બાદ વડાપ્રધાને જણાવ્યું હતું કે, જો અમારા ૧૬ કરોડ બાંગ્લાદેશીઓને ભોજન આપવાની ક્ષમતા છે તો સાત લાખ શરણાર્થીઓને પણ ભોજન આપી શકીએ છીએ. શરણાર્થી કેમ્પનો પ્રવાસ કરતા અને રાહત સામગ્રી વહેંચ્યા બાદ શેખ હસીનાએ લિબરેશન વોર દરમિયાન આવી પહોંચેલા એક કરોડ બંગાળી શરણાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, મેં માનવતા ખાતર રોહિંગ્યા મુસ્લિમોની મદદ કરવાનો નિર્ણય લીધો છે. મેં દેશના લોકોને કહી દીધું છે કે, તેઓ બની શકે તેટલી રોહિંગ્યા મુસ્લિમોની મદદ કરે. ઉલ્લેખનીય છે કે, મ્યાનમારના રાખિનેમાં ૨૪ ઓગસ્ટ બાદ ફેલાયેલી હિંસા બાદ આશરે પાંચ લાખથી વધુ રોહિંગ્યા મુસ્લિમોએ બાંગ્લાદેશમાં શરણ લીધી હતી.
શેખ હસીનાએ જણાવ્યું હતું કે, મેં આંતરરાષ્ટ્રીય સમૂદાયને કહ્યું છે કે, મ્યાનમાર સરકાર પણ તેના નાગરિકોને પરત લેવા માટે દબાણ સર્જે. બાંગ્લાદેશ શાંતિ ઇચ્છે છે અને તે પાડોશી દેશો સાથે સારા સંબંધ રાખવા માગે છે. પરંતુ તે મ્યાનમારના આ પગલાંને સ્વીકાર કરતું નથી. શું મ્યાનમાર સરકાર પાસે અંતરાત્મા નથી ? કેટલાક લોકોને કારણે તેઓ સેંકડો-હજારો લોકોને કેમ ભગાડી શકે છે ? શેખ હસીનાએ આ સાથે જ સ્થાનિક વહીવટીતંત્રને આદેશ આપ્યો છે કે, તે બીમાર અને ઘાયલ રોહિંગ્યા મુસ્લિમોને હોસ્પિટલોમાં સારી સારવાર પૂરી પાડે. આ સાથે જ સંયુક્ત રાષ્ટ્રે આંતરરાષ્ટ્રીય સમૂદાયને અપીલ કરી છે કે, તેઓ પોતાના રાજકીય મતભેદોને બાજુમાં રાખી રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓની મદદ માટે કરાતા માનવતાના પ્રયાસોમાં સહયોગ કરે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુતારેઝના પ્રવક્તા સ્ટીફન ડુઝારિકે ન્યૂયોર્કમાં આવેલા સંયુક્ત રાષ્ટ્ર મુખ્યમથકમાં પોતાના દૈનિક પત્રકાર પરિષદ સંમેલનમાં જણાવ્યું હતું કે, રોહિંગ્યા મુસ્લિમોની સાથે થઇ રહેલી દુઃખદ ઘટનાઓ અંગે ચિંતાઓને સ્પષ્ટ રીતે જાહેર કરવામાં આવી છે. લોકોને પોતાના ઘરો છોડવા માટે મજબૂર કરવામાં આવે છે. જે પ્રકારના અહેવાલો અને તસવીરો અમારી પાસે આવી રહી છે તે હૃદય કંપાવનારી છે.
તેમણે જણાવ્યું હતું કે, મારા મતે સમગ્ર આંતરરાષ્ટ્રીય સમૂદાયે પોતાના રાજકીય મતભેદો છતાં આ દિશામાં કરવામાં આવતા પ્રયાસમાં સહયોગ કરવો જોઇએ. સરહદ પાર કરનારા આ લોકો ઘણા નબળા અને અસુરક્ષિત છે. આ લોકો ભૂખ્યા અને કુપોષિત છે, તેમને મદદ મળવી જ જોઇએ. રોહિંગ્યા મુસ્લિમો પર ક્ષેત્રીય દેશોની ભૂમિકા અંગે તેમને એક પત્રકારે સવાલ કર્યો હતો કે, મોટા ક્ષેત્રીય દેશો સહિત ખાસ કરીને, ભારતે રોહિંગ્યા સંકટ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે અને તે આવા સમયે મદદ માટે સામે આવ્યું નથી, જ્યારે તેની ભૂમિકા ઘણી મોટી બની શકી હોત. ત્યારે પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રના માનવીય સમૂહે ૩,૦૦,૦૦૦ રોહિંગ્યા શરણાર્થીઓ માટે ઇમરજન્સી યોજના તૈયાર કરી હતી.