જામનગર, તા.૨૧
જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં વસવાટ કરતા અને મેહુલનગર એંસી ફૂટ રોડ પર કવાડ કન્સ્ટ્રકશન નામની ઓફિસ ધરાવતા રણછોડભાઈ ખીમજીભાઈ કવાડ શનિવારે રાત્રે નવેક વાગ્યે પોતાની ઓફિસ બંધ કરી ઘરે ગયા પછી રવિવારે સવારે જ્યારે ઓફિસે આવ્યા ત્યારે તેઓને પોતાની ઓફિસમાં કબાટ ખુલ્લો જોવા મળ્યો હતો આથી તેઓએ પોતાની ઓફિસના ચોકીદાર વિક્રમ બહાદુરની તપાસ કરી હતી, પરંતુ આ શખ્સ ક્યાંય મળી ન આવતા અજુગતું બન્યું હોવાની આશંકાથી રણછોડભાઈએ પોલીસને જાણ કરી હતી. આ બાબતની જાણ થતા સિટી-સી ડિવિઝનના પીએસઆઈ જી.જે. ગામીત તથા સ્ટાફ દોડી ગયા હતા. પોલીસની હાજરીમાં ઓફિસમાં ચકાસણી કરતા તેઓના કબાટનો લોક તૂટેલો અને તેમાંથી રૃા.૧૭ લાખ ગુમ થયેલા હોવાનું બહાર આવ્યું હતું આથી રણછોડભાઈએ ઓફિસમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. સીસીટીવીમાં તેઓની જ ઓફિસનો ચોકીદાર વિક્રમ બહાદુર અને અન્ય એક શખ્સ શનિવારની રાત્રિના સમયે અગાઉથી જ ચોકીદાર પાસે રહેલી ઓફિસની ચાવી વડે ઓફિસનું બારણું ખોલી અંદર પ્રવેશ્યા પછી કબાટનું લોક તોડતા અને તેમાંથી રોકડ ઉઠાવતા જણાઈ આવ્યા હતા. પોલીસે રણછોડભાઈની ફરિયાદ પરથી ચોકીદાર વિક્રમ અને અજાણ્યા શખ્સ સામે આઈપીસી ૩૮૧, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધી બન્ને શખ્સોના સગડ દબાવ્યા છે.