(સંવાદદાતા દ્વારા) સુરત, તા.ર૦
અમદાવાદ, વડોદરા અને રાજકોટ બાદ સુરતમાં પણ જાહેરમાં થૂંકવા પર પાલિકા દ્વારા દંડાત્મક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવતા સુરતની જનતાએ પાલિકાના નિર્ણયનો સ્વાગત કર્યો છે. ૧૫ ઓગસ્ટથી મેમો ફટકારવાની શરૂઆત કરનાર પાલિકાએ છેલ્લાં પાંચ દિવસમાં ૧૭ મેમો ફટકાર્યા છે.
સુરત શહેરમાં જાહેર રસ્તા પર થૂંકવા પર દંડ વસુલવાની કાર્યવાહી પાલિકાએ ૧૫મી ઓગષ્ટથી શરૂ કરી છે. જાહેરમાં થૂંકવા પર ૧૦૦ રૂપિયાનો દંડ રાખવામાં આવ્યો છે. પાલિકા દ્વારા જાહેર નોટિસમાં જણાવ્યું હતું કે, ચાલુ બાઈક કે, કોઈપણ ચાલુ વાહન પરથી જાહેર રસ્તા પર થૂંકનાર કે પાન-માવાની પિચકારી, ગુટકાનો મસાલો કે અન્ય કોઈ પણ પ્રકારનો કચરો ફેંકનાર કોઈ પણ વ્યક્તિ સીસી કેમેરામાં ઝડપાશે તો વાહનના રજિસ્ટ્રેશનની વિગતોને આધારે વાહન માલિકના ઘરે નોટિસ મોકલવામાં આવશે. પાલિકાની નોટિસ મળ્યાથી સાત દિવસમાં દંડની રકમ ભરપાઈ કરવાની રહેશે. આ દંડની રકમ પાલિકાના કોઈપણ નાગરિક સુવિધા કેન્દ્ર અથવા પાલિકાની વેબસાઈટ પર ઓનલાઈન ભરપાઈ કરવાનો રહેશે. જો નિયત સમય મર્યાદામાં દંડની રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો પાલિકાના કર્મચારીઓ ઘરેથી દંડની વસુલાત કરવામાં આવશે પરંતુ એ રકમ ૧૦ ગણી એટલે કે, ૧૦૦૦ રૂપિયા દંડ વસુલવામાં આવશે એમ પાલિકાએ જાહેર નોટિસ થકી જણાવ્યું છે.