મોડાસા, તા.ર૪
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ૧૬ જુલાઈથી ૯ મહિનાથી ૧૫ વર્ષ સુધીના બાળકોને ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ઓરી-રૂબેલાની રસી લીધા બાદ કેટલાક બાળકોની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર આપવાની ફરજ પડી હતી. ભિલોડા તાલુકાના વાઘેશ્વરી ગામના ધોરણ-૨માં અભ્યાસ કરતા બાળકનું એમ.આરની રસી લીધા બાદ અગમ્ય કારણોસર તબિયત લથડતા અને મોતને ભેટતા જિલ્લામાં વાલીઓ ચિંતિત બની રસીકરણથી અળગા રહી બાળકોને શાળાએ જ મોકલવાનું બંધ કરતા બાળકોના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. ભિલોડા તાલુકામાં ૨૪ કલાકમાં ૧૮ બાળકોને રસી લીધા બાદ તબિયત લથડતા અને ૩ બાળકોની સ્થિતિ ગંભીર હોવાથી અમદાવાદ ખસેડવાની તજવીજ હાથ ધરાતા ઓરી-રૂબેલા રસીકરણનું રૌદ્ર સ્વરૂપ યથાવત રહેતા જિલ્લા વાસીઓમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લાના અન્ય તાલુકામાં પણ એમ.આરની રસી લીધા બાદ રિએક્શન આવતા અને બાળકોની તબિયત લથડતા સરકારી દવાખાનામાં અને ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. બીજીબાજુ જિલ્લા આરોગ્ય તંત્ર ઓરી-રૂબેલાની આડ અસર ન હોવાનું જણાવતા સમગ્ર એમ.આર રસીકરણ અભિયાન વિવાદના વંટોળમાં સપડાયું છે.
ભિલોડા પંથકમાં ૨૪ કલાકમાં ઓરી-રૂબેલાની રસી લીધા બાદ ૧૮ બાળકોની તબિયત લથડતા આરોગ્ય વિભાગમાં ભારે હડકંપ મચ્યો હતો. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અમરનાથ વર્મા તેમની ટીમ સાથે ભિલોડા દોડી આવ્યા હતા અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોની મુલાકાત કરી હતી ભિલોડા તાલુકાની વાઘેશ્વરી, જનસેવા, ચુનાખાડ, મેરુ, કાળી ડુંગરી, આરજે સ્કૂલ, મઠ ટીંબા, લીલછા પ્રા.શાળામાં ૧૯થી ૨૧ તારીખ સુધીના એમ.આર રસીકરણ બાદ ૧૪ બાળકોની તબિયત લથડતા ભિલોડા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જેમાં ૩ બાળકોની હાલત ગંભીર હોવાથી અને તપોવન પ્રા.શાળાના ૨ બાળકો નોખી અને કાળી ડુંગરી પ્રા.શાળાના ૨ વિદ્યાર્થીઓની તબિયત લથડતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી. અરવલ્લી જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ એમ.આરની રસી લીધા બાદ તબિયત લથડી હોવાની માહિતી આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ હતી. અરવલ્લી જિલ્લામાં ઓરી-રૂબેલાના રસીકરણ અંગે તરહ-તરહની અફવાઓ આરોગ્ય વિભાગ માટે આફતરૂપ બનતા માંડ-માંડ લોકોને સમજવવામાં સફળતા મળી હતી પરંતુ રસીકરણ અભિયાન બાદ કેટલાક બાળકોની તબિયત લથડતા અફવાઓને વેગ મળતો હોય તેમ વાલીઓ બાળકોને શાળાએ જ મોકલવાનું બંધ કરતા અભ્યાસ પર માઠી અસર પડી રહી છે.

જિલ્લા આરોગ્ય અધિકારી
ભિલોડાની મુલાકાતે દોડી આવ્યા

ભિલોડા પંથકમાં ઓરી-રૂબેલાના રસીકરણ અભિયાનમાં રસી અપાયા પછી બાળકોની તબિયત લથડતા દોડી આવેલા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અમરનાથ વર્માએ હોસ્પિટલમાં સારવાર હેઠળ બાળકો અને તેમના વાલીઓની મુલાકાત કરી જણાવ્યું હતું કે લોકોમાં ખોટો ડર પેદા થયો છે. બાળકોને એમ.આરની રસી હિતાવહ હોવાથી ગંભીર બીમારીઓથી બાળકોને સુરક્ષિત કરવા જોઈએ. જિલ્લામાં ૧ લાખ બાળકોને રસીકરણ અને ભિલોડા તાલુકામાં ૨૮૬૮૧ સફળતાપૂર્વક રસીકરણ કરવામાં આવ્યું હોવાનું અને પ્રજાજનોએ ઓરી-રૂબેલા અંગે ફેલાયેલી અફવાથી દૂર રહી બાળકોને રસી આપવી હિતાવહ હોવાનું ભાર પૂર્વક જણાવ્યું હતું.