(સંવાદદાતા દ્વારા)
છાપી, તા.૧૬
વડગામ તાલુકાના મોરિયા ગામની દૂધ મંડળીના બે કર્મચારીઓ પાસેથી રૂપિયા ૧૮ લાખની સનસનીખેજ લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ જતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. દૂધ મંડળીના બે કર્મચારીઓ બેંકમાંથી પૈસા લઈને બાઈક ઉપર જતા હતા ત્યારે ધનાલીથી મોરિયા ગામ વચ્ચે અજાણ્યા શખ્સોએ રિવોલ્વરથી બે રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટ ચલાવવાની ઘટનાની જાણ થતાં લોકો ના ટોળે ટોળા ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા. બનાસકાંઠામાં દિન દહાડે દૂધ ડેરીના બે કર્મચારીઓ પાસેથી રૂા.૧૮ લાખની સનસનીખેજ લૂંટની ઘટના સામે આવતા જિલ્લાની પોલીસ દોડથી થઈ ગઈ છે. જેમાં વડગામ તાલુકાના મોરિયા ગામે આવેલી દૂધમંડળીના કર્મચારી જગદીશભાઈ લોહ અને તેમના મિત્ર સાથે ધનાલી ગામે આવેલી બનાસ બેંકની શાખામાંથી દૂધનું ૧૮ લાખ રૂપિયાનું પેમેન્ટ થેલામાં લઈને મોરિયા તરફ આવવા નીકળ્યા હતા. ત્યારે ધનાલીથી મોરિયા વચ્ચે રસ્તામાં પાછળથી સફેદ કલરની કારમાં અજાણ્યા પાંચ જેટલા શખ્સોએ બાઈક આંતરીને અટકાવ્યુ હતું અને બાઇક સવાર બંનેને રિવોલ્વર બતાવી નીચે પાડી દીધા હતા. દરમિયાન કર્મચારી રૂપિયા બચાવવા થેલો લઈ ભાગ્યા હતા પરંતુ લૂંટારૂઓએ તેમનો પીછો કરી ટોમી ફટકારીબેગ આંચકી પળવારમાં લૂંટ કરી નાસી ગયા હતા દિનદહાડે લૂંટની ઘટનાથી સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી. જો કે, આ ઘટનાના જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. વડગામ પાસે દૂધ ડેરીના કર્મચારીઓ પાસેથી રૂપિયા ૧૮ લાખની લૂંટની સનસનીખેજ ઘટનાની જાણ થતાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને એલસીબી એસઓજી, વડગામ પોલીસ સહિતની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને પકડવા કવાયત હાથ ધરી હતી. પોલીસે ધનાલી બનાસ બેંકની શાખામાં પણ જઇ તપાસ હાથ ધરી હતી.