રાવલપિંડી, તા.૩૦
પાકિસ્તાનના રાવલપિંડીમાં સેનાનું વિમાન રહેણાક વિસ્તારમાં ક્રેશ થતા ૧૮ લોકોના મોત નિપજ્યા છે તેમજ કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનામાં પાંચ ક્રૂ મેમ્બર્સ સહિત ૧૩ નાગરિકો પણ મોતને ભેટ્યા છે. પાકિસ્તાની સેનાએ નિવેદન જાહેર કરીને આ અંગે માહિતી આપી છે. રાહત બચાવ અધિકારીઓનું કહેવું છે કે વિમાન દુર્ઘટનામાં મૃતકઆંક વધે તેવી પૂર્ણ શક્યતાઓ છે.
પાકિસ્તાની સેનાએ હજી સુધી વિમાન ક્રેશ થયું હોવાની કોઈ તસવીર જાહેર કરી નથી. સેનાનું કહેવું છે કે વિમાને ઉડાન ભર્યાના થોડા જ સમયમાં રાવલપિંડીના મોરા કાલૂ ગામ પાસે વિમાન દુર્ઘટનાનું શિકાર બન્યું હતું. વિમાન ક્રેશ થઈને પડતા જ સમગ્ર રહેણાક વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
સેનાના એક અધિકારી ફારૂક બટનું કહેવું છે કે રાજ્ય સરકારે પીડિતો માટે ઈમરજન્સી નંબર જાહેર કર્યો છે. આ દુર્ઘટનામાં ૧૮ લોકો મોતને ભેટ્યા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. રાહત-બચાવ કામગીરી હજી પણ ચાલી રહી છે. રૂટીન પેટ્રોલિંગ પર નિકળેલા વિમાનના પાયલટે નિયંત્રણ ગુમાવી દીધું હતું જેના કારણે આ દુર્ઘટના ઘટી હતી. જોકે હજી સુધી વિમાન ક્રેશ થવાના ચોક્કસ કારણો અંગે કોઈ પુષ્ટી કરવામાં નથી આવી. ૨૦૧૦માં પ્રાઈવેટ એર લાઈન્સ એરબ્લૂ દ્વારા ઓપરેટેડ એક એરક્રાફ્ટ ઈસ્લામાબાદમાં ક્રેશ થયું હતું, જેમાં ૧૫૨ લોકોના જીવ ગયા હતા.
આ પહેલાં ૨૦ એપ્રિલ ૨૦૧૨ના રોજ કરાચીથી ઇસ્લામાબાદ જઈ રહેલું ખાનગી ઍરલાઇનનું વિમાન રાવલપિંડીના હુસૈનાબાદ ગામ પાસે ગુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં ૧૨૭ લોકોનાં મૃત્યુ થયાં હતા.