(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આદેશ પ્રમાણે આજે ગાંધી જયંતી નિમિત્તે વડોદરા સેન્ટ્રલ જેલના પાકા કામના ૧૯ કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. જે કેદીઓએ પોતાની ૬૬ ટકા સજા પૂર્ણ કરી હોય તેવા કેદીઓને મુક્ત કરાયા હતા. આ પ્રસંગે કેદીઓએ સમાજમાં જઇને સારા કામો કરવાની નેમ વ્યક્ત કરી હતી અને જેલમાં જે શિખ્યા છે તેનાથી પરિવારના ગુજરાત ચલાવવાની વાત કરી હતી. મુક્તિ સમયે કેદીઓ ભાવુક થઇ ગયા હતા.વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયેલા ૧૯ કેદીઓ જીવનમાં સારા વિચારો મેળવીને જીવનમાં આગળ વધે તે ઉદ્દેશથી તેઓની ગાંધી ગંગા પુસ્તક આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા જિલ્લા ઇન્ચાર્જ અધિક્ષક વી.આર. પટેલ, જ્યુડીશિયલ જેલર એમ.પી. રાઠોડ અને સીનિયર જેલર રાઠવા પણ હાજર હતા. જેલમાંથી મુક્ત થયેલા કેદી ધર્મેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, પાકા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો હતો. પરંતુ આજે અમને કેદ મુક્ત કર્યા છે તેથી હું ખુબ ખુશ થયો છું. અમે જેલમાં જે શિખ્યા છે તેનો ઉપયોગ કરીને અમારા પરિવારનું ગુજરાન ચલાવીશું. મુક્ત થયેલા એક કેદીએ જણાવ્યું હતું કે, ૨ વર્ષ પછી જેલમાંથી નિકળ્યો તેનો મને આનંદ છે. જેલમાં ઘણું બધુ શીખવા પણ મળ્યું છે. જેલમાં પણ અભ્યાસની સાથે-સાથે રોજગાર લક્ષી કામો પણ શિખવા મળ્યા છે.