ખંભાળિયા,તા.૩૧
ખંભાળિયાના એક તબીબને એક યુવતી સહિતના ચાર શખ્સોએ દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી રૂા.સાડા ઓગણીસ લાખ પડાવી લીધાની જિલ્લા પોલીસવડાને રજૂઆત કરાયા પછી પોલીસે ગુનો નોંધતા તબીબી વર્તુળોમાં ચકચાર જાગી છે.
આ ચકચારી બનાવની વધુ વિગત મુજબ ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં વર્ષો સુધી સેવા આપી ખ્યાતિ મેળવનાર ડો. પારસ વિઠ્ઠલાણીએ થોડા સમય પહેલાં જ સ્ટેશન રોડ ચાર રસ્તા પાસે પોતાની હોસ્પિટલ સ્થાપી છે.
સેવાભાવિ તબીબ તરીકે જાણીતા બનેલા પારસભાઈને ત્યાં ખંભાળિયાનો રહેવાસી અબ્દુલ ઈબ્રાહીમ શેઠા, દિલીપસિંહ પ્રતાપસિંહ, વાડીનારના આબીદ યુનુસ સંઘાર તેમજ મૂળ બિહારની વતની ખુશ્બુ મિથિલેશસિંગ નામની યુવતીએ અવારનવાર મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મના કેસમાં ફીટ કરવાનું કહી જુદા જુદા સમયે રૂા.૧૯ લાખ ૪૮ હજાર પડાવી લીધા હતા.
ઉપરોક્ત વ્યક્તિઓના વધતા જતા ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયેલા ડો. પારસ વિઠ્ઠલાણીએ ઉપરોકત બાબતથી દ્વારકાના એસપી રોહન આનંદને વાકેફ કરતા એસપીએ આ બાબતનો ગુનો નોંધવાની સૂચના આપી હતી.