(એજન્સી) જલાલાબાદ,તા.૧૧
મંગળવારે અફઘાનિસ્તાનના જલાલાબાદ શહેરમાં પ્રદર્શનકર્તાઓ પર થયેલા આત્મઘાતી હુમલામાં ૧૯ લોકોનાં મોત થયા હતા. દેશભરમાં હિંસાના બનાવો વધી રહ્યા છે ત્યારે શાંતિવાર્તા અને ચૂંટણીની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. નંગહાર પ્રાંતમાં નવા પોલીસ વડાની નિમણૂક સામે લોકો હાઈવે પર અવરોધો ઊભા કરી દેખાવો યોજ્યા હતા. જ્યાં વિસ્ફોટ થતાં પ૭ લોકો ઘવાયા હતા. તેમ પ્રાંતિય ગવર્નર અત્તાઉલ્લાહ ખોગયાનીએ કહ્યું કે, પ્રાંતિય આરોગ્ય વિભાગના પ્રવક્તા ઈમાનુલ્લા મીઆમીએ મૃતકોના આંકની પુષ્ઠિ કરી હતી. ડઝન જેટલા ઘવાયેલા લોકોને જલાલાબાદની હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. જલાલાબાદ ખાતે ગર્લ્સ શાળાની સામે આ વિસ્ફોટ થયો હતો. જેમાં એક બાળક અને ૪ બીજાના મોત થયા હતા. પહેલો વિસ્ફોટ મલિકા ઓમર સ્કૂલ સામે સવારે ૮.૩૦ કલાકે થયો હતો. બીજો વિસ્ફોટ નજીકની છોકરાઓની શાળા સામે થયો હતો. વિસ્ફોટની કોઈએ જવાબદારી લીધી ન હતી. આ વિસ્તારમાં તાલેબાનો અને આઈએસ સક્રિય છે. ૧૭ વર્ષના સંઘર્ષના અંત માટે તાલેબાનો સાથે વૈશ્વિક વાર્તાની પહેલના પ્રયાસ સમયે આ વિસ્ફોટો થયા હતા.