રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રમુખ તરીકેનો વિધિવત કાર્યભાર સંભાળે તેના એક દિવસ પહેલા કોંગ્રેસ પ્રમુખ તરીકે સોનિયા ગાંધીની ૧૯ વર્ષની સફરનો અંત આવ્યો છે. તેમનાં નેતૃત્વ હેઠળ કોંગ્રેસે તમામ રાજકીય પંડિતોને ખોટા પાડીને કેન્દ્રમાં બે વખત સરકારની રચના કરી હતી. હવે એ જોવાનું છે કે તેઓ કઇ ભૂમિકા ભજવે છે કારણ કે કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે સોનિયા ગાંધી રાજનીતિમાંથી નિવૃત્ત થયાં નથી. કોંગ્રેસના પ્રવક્તા રણજીતસિંહ સૂરજેવાલાએ ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે સોનિયા ગાંધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રમુખ પદેથી નિવૃત્ત થયાં છે પરંતુ રાજનીતિમાંથી નિવૃત્ત થયાં નથી. તેમના આશીર્વાદ , તેમનું શાણપણ અને કોંગ્રેસ વિચારધારા પ્રત્યેની તેમની સ્વાભાવિક પ્રતિબદ્ધતા અમારા માટે એક માર્ગદર્શક બની રહેશે.
૯ ડિસે.૧૯૪૬ના રોજ જન્મેલાં ૭૨ વર્ષનાં સોનિયા ગાંધીએ ૧૯૬૮માં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યા હતાં. કોંગ્રેસ પ્રમુખ તરીકે પોતાની ૧૯ વર્ષની સફરમાં તેમણે અનેક ચડતી પડતીઓ જોઇ છે. શું સોનિયા ગાંધી યુપીએનાં ચેરપર્સન તરીકે સેવા આપવાનું ચાલુ રાખશે ? શું તેઓ પોતાના ગઢ મનાતા રાયબરેલીમાંથી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડશે ? આવા કેટલાક પ્રશ્નો છે જેનો જવાબ હજુ પક્ષે આપવાનો બાકી છે.
સોનિયાની રાજકીય સફર
મે ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા બાદ કોંગ્રેસના નેતાઓએ સોનિયા ગાંધીને પક્ષનો કાર્યભાર સંભાળી લેવા અપીલ કરી હતી, પરંતુ પોતે ક્યારેય રાજનીતિમાં જોડાશે નહીં એવંુ કહીને તેમણે ઇન્કાર કર્યો હતો. ૬ વર્ષ બાદ એક આશ્ચર્યજનક જાહેરાત કરીને સોનિયા ગાંધી ડિસે.૧૯૯૭માં કોંગ્રેસમાં જોડાયાં હતાં. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે તેઓ માર્ચ ૧૯૯૮માં યોજાનારી સંસદીય ચૂંટણીમાં કોંગ્રેસ માટે પ્રચાર કરશે. કોંગ્રેસને ૧૪૧ બેઠકો મળી હોવા છતાં પક્ષ કાર્યકરોએ સોનિયાને બિરદાવ્યા હતા. ત્યારબાદ સોનિયા ગાંધી પક્ષના પ્રમુખ તરીકે સીતારામ કેસરીનું સ્થાન લઇને તેમના અનુગામી બન્યા હતા. પોતાનાં સાસુ ઇંદિરા ગાંધીના પદચિન્હો અનુસરીને સોનિયા ગાંધી સંસદીય ચૂંટણી લડ્યાં ન હતાં પરંતુ તેઓ કોંગ્રેસ સંસદીય પક્ષનાં ચેરપર્સન તરીકે ચૂંટાયાં હતાં. ૧૯૯૮ની સામાન્ય ચૂંટણીઓ અને રાજ્યની ચૂંટણીઓમાં પરાજય બાદ અનેક ચડાવ ઉતારમાંથી પસાર થઇ રહેલ કોંગ્રસને સોનિયાનાં નેતૃત્વ હેઠળ પોતાના ભાગ્યમાં પરિવર્તન જોવા મળ્યું હતું. કોંગ્રેસનો મહત્વના રાજ્યો-કર્ણાટક, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશની વિધાનસભા ચૂંટણીઓમાં વિજય થયો હતો. ૧૧ જાન્યુ.૧૯૯૮ના રોજ સોનિયાએ શ્રીપેરુમ્બુદુર ખાતે એક ચૂંટણી રેલીને સંબોધીને પોતાની રાજકીય કારકિર્દીની શરુઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે એલટીટીઇના આત્મઘાતી બોંબરોએ શ્રીપેરુમ્બુદુર ખાતે રાજીવ ગાંધીની હત્યા કરી હતી. સોનિયાના વિદેશી મૂળ પર ભાજપ દ્વારા સતત પ્રહારો થયા હતા. શરદ પવાર જેવા પક્ષના વરિષ્ઠ નેતાઓ પણ કોંગ્રેસ છોડી ગયા હતા અને વિદેશી મૂળના મહિલા હેઠળ કામ કરવાનો ઇન્કાર કરીને તેમણે પોતાના પક્ષની રચના કરી હતી. જો કે આ વિવાદથી સોનિયા ગાંધી સહેજપણ ડગુમગુ થયાં ન હતાં અને તેમણે અગ્રીમ મોરચે રહીને પક્ષનું નેતૃત્વ સંભાળ્યું હતું. કોંગ્રેસે અટલબિહારી વાજપેયીના વડપણ હેઠળ ભાજપ સામે ૧૯૯૯ની લોકસભા ચૂંટણી હારી ગયા બાદ પણ સોનિયાએ પક્ષનું નેતૃત્વ સંભાળી રાખ્યું હતું. તેઓ અમેઠીમાંથી સામાન્ય ચૂંટણીઓ લડ્યાં હતાં અને લોકસભામાં વિરોધ પક્ષનાં નેતા બન્યાં હતાં. પાંચ વર્ષ બાદ ૨૦૦૪ની સામાન્ય ચૂંટણીઓમાં તેમની ભારે મહેનત અને જહેમતને કારણે કોંગ્રેસના વડપણ હેઠળ યુપીએનો આશ્ચર્યજનક વિજય થયો હતો. કોંગ્રેસે તેમને સંસદમાં નેતા તરીકે સર્વાનુમતે ચૂંટી કાઢ્યા હતા અને તેથી એવી અપેક્ષા હતી કે તેઓ વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. જો કે તેમણે વડાપ્રધાન પદ સ્વીકારવાનો ઇન્કાર કર્યો અને ગઠબંધન સરકારનું નેતૃત્વ સંભાળવા માટે ડો.મનમોહનસિંહેને તેમણે નિયુક્ત કર્યા હતા. ત્યારબાદ ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં યુપીએ દ્વારા વધુ બેઠકો પર વિજય સાથે સરકાર જાળવી રાખવામાં આવી હતી. ૨૦૦૯નો વિજય સોનિયા ગાંધીની રાજકીય કારકિર્દી માટે સૌથી મહત્વપૂર્ણ મુદ્દો હતો અને ત્યારબાદ તેમની પીછેહઠ થવા લાગી હતી. કરોડો રૂપિયાના ઉપરાછાપરી કૌભાંડો-કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડથી ટુ-જી કૌભાંડથી કોલસા કૌભાંડ સુધી કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપમાં યુપીએ સરકાર વિવાદના વમળમાં ફસાઇ હતી. વિરોધ પક્ષો, મીડિયા અને અણ્ણા હઝારેની લોકપ્રિય ચળવળ દ્વારા થયેલા આરોપોનો પક્ષ પાસે કોઇ જવાબ ન હતો ત્યાર બાદ નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ભાજપનો નિર્ણાયક વિજય થયો હતો અને ૫૪૩ સભ્યોના ગૃહમાં કોંગ્રેસ ૪૪ બેઠકો પર સમેટાઇ ગઇ હતી.
ત્યારબાદ રાજ્યની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસને શ્રેણીબદ્ધ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર અને આસામ બાદ ઉ.પ્ર.માં પણ કોંગ્રેસની અપમાનજનક હાર થઇ હતી. સોનિયા ગાંધી હવે કોંગ્રેસ પ્રમુખ પદેથી નિવૃત્ત થયાં છે પરંતુ તેમની રાજકીય સફરનો અંત હજુ આવ્યો નથી. હવે જોવાનું એ છે કે સોનિયા ગાંધી કઇ ભૂમિકા અદા કરે છે.
– પ્રિયંકા રાઠી