સોનિપત, તા. ૯
લશ્કરે તૈયબાના બોમ્બ એક્સપર્ટ અબ્દુલ કરીન ટુંડાને સોનિપત કોર્ટ દ્વારા ૧૯૯૬ના સોનિપત બોમ્બ બ્લાસ્ટ કેસમાં દોષિત જાહેર કર્યો હતો. મંગળવારે તેની સજાની જાહેરાત કરવામાં આવશે. આ અંગેના અહેવાલોને સમર્થન કરતા સોનિપતના એસપી સતેન્દ્ર કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, ટુંડાને આઇપીસી અને વિસ્ફોટક કેસમાં ૩૦૭ (હત્યાનો પ્રયાસ) અને ૧૨૦-બી (ષડયંત્ર)માં દોષિત જાહેર કરાયો હતો. ૭૫ વર્ષનો ટુંડા એવા ૨૦ આતંકવાદીઓમાં સામેલ હતો જેમની મુંબઇમાં ૨૬/૧૧ના હુમલા કેસમાં ભારતે પાકિસ્તાનને તેમને સોંપી દેવા કહ્યું હતું. ટુંડાને મધ્યપૂર્વમાં આતંકવાદી જૂથો માટે ભંડોળ માગવા તથા દાઉદ ઇબ્રાહીમના નેટવર્ક સાથે સંકળાયેલા હોવા માટે શંકાસ્પદ ગણાવ્યો હતો. ટુંડાને ૧૯૯૩ના મુંબઇ ટ્રેન બ્લાસ્ટ તથા ૧૯૯૬-૯૭ના બ્લાસ્ટ માટે પણ જવાબદાર ગણાવાયો હતો. દિલ્હીમાં ૨૦૧૦ની કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન હુમલાની યોજના બનાવવા માટે પણ શંકાસ્પદ હતો. જોકે, તેની સાથેના બે વ્યક્તિઓની ધરપકડ થતા આ યોજના નિષ્ફળ બનાવી દેવાઇ હતી. તે યુવાનોના બ્રેઇન વોશ કરવાનો પણ આરોપી છે. યુવાનોને સરળતાથી લાવી શકાય તેવા દેશો સઉદી અરબ, યુએઇ, બાંગ્લાદેશ અને નેપાળના લોકો સાથે સંપર્કમાં હતો તેવી શંકા સેવાઇ રહી હતી.