(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૮,
વડોદરાના વાઘોડિયા તાલુકાના ઇશ્વરપુરા ગામમાં ગઇકાલે મોડી રાતે ૧૫ જેટલા ધાડપાડુઓએ બે મકાનમાં ઘુસી પરિવારજનોને બંધક બનાવ્યા હતા. લૂંટારૂઓએ પરિવારજનોને માર મારી રૂા.૧ લાખની મત્તાની લૂંટ ચલાવી હતી. જોકે બનાવની જાણ થતા જ ગ્રામજનો સ્થળ પર આવી પહોંચતા લૂંટારૂ ટોળકીએ ગ્રામજનો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં ૧૫ વ્યકિતઓને ઇજાઓ પહોંચી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર રવિવારે મોડીરાતે ૧૨ વાગ્યાના આરસામાં ઇશ્વરપુરા ગામમાં રહેતા અને કરીયાણાની દુકાન ચલાવતા નટુભાઇ વસાવાના મકાનમાં ૧૫ જેટલા ધાડપાડુઓ ત્રાટક્યા હતા. લૂંટારૂઓએ પરિવારને બંધ બનાવી નાણાની માંગ સાથે પરિવારજનોને લાકડી વડે માર માર્યો હતો. લૂંટારૂઓએ પરિવારજનોએ પહેરેલા દાગીના પણ ઉતારી લીધા હતા. આ સિવાય ધાડપાડુઓ બાજુના મકાનમાં રહેતા રતિલાલ વસાવાને ત્યાં ત્રાટક્યા હતા. મારક હથિયારો સાથે આવી પહોંચેલા લૂંટારૂઓએ મકાનમાં રહેતા રતિલાલ વસાવાના સબંધી સંતોષ બહેન તથા તેમની પુત્રીએ પહેરેલા દાગીના લૂંટી લીધા હતા.
આ સમયે ગામમાં ભજન-કિર્તન ચાલતું હોવાથી મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. બનાવની જાણ થતા મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે લોકટોળા જોઇ ધાડપાડુઓએ ગ્રામજનો પર પથ્થરમારો કર્યો હતો. આ બનાવમાં ૧૫ લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમાં ૫ લોકો ગંભીર રીતે ઘવાતા તેઓને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા.
પથ્થરમારાના બનાવમનાં ભલાભાઇ વસાવા નામના વ્યકિતની આંખ ફૂટી જતા તેઓને દવાખાને ખસેડાયા હતા. બનાવ અંગે જાણ થતા જ વાઘોડિયા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. તદુપરાંત જિલ્લા પોલીસ અને એલસીબીની ટીમો પણ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે લૂંટારૂ ટોળકીનો ભોગ બનેલા નટુભાઇ વસાવાની ફરીયાદને આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.