અમદાવાદ,તા.૧૭
સૌરાષ્ટ્ર ઝોન અને મધ્ય ગુજરાતના ચૂંટણી પ્રવાસ બાદ હવે દક્ષિણ ગુજરાતના ચૂંટણી પ્રવાસ માટે રાહુલ ગાંધી તા.૧લી નવેમ્બરે ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે. છેલ્લી ઘડીયે કોઇ ફેરફાર ના થાય તો, તા.૧થી ૩ નવેમ્બર દરમિયાન રાહુલ ગાંધી તેમના ત્રીજા તબક્કાનો ચૂંટણી પ્રવાસ ખેડે તેવી શકયતા છે. સૌથી છેલ્લે રાહુલ ગાંધી ચોથા તબક્કામાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ફરી કોંગ્રેસ તરફી લોકજુવાળ ઊભો કરશે. દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓ અને મહાનગરોની તેઓ મુલાકાત લેશે. ડાંગના શબરીધામ મંદિરે પણ તેઓ દર્શન કરશે, જ્યારે સુરત શહેરમાં તેમનો રોડ-શો યોજવાનું કોંગ્રેસનું આયોજન છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ આ વખતે પોતાના ચૂંટણી પ્રવાસ દરમિયાન હિન્દુત્વનું કાર્ડ ખેલી દેવદર્શન અને મંદિરોમાં ભજન, ગાયોને ચારો ખવડાવી જનસમુદાયનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તો, ભાજપે પણ રાહુલ ગાંધીના હિન્દુત્વના મુદ્દા પર ટીકાત્મક નિવેદનો કર્યા છે. જો કે, રાહુલ ગાંધી દક્ષિણ અને ઉત્તર ગુજરાતના ચૂંટણી પ્રવાસ દરમિયાન પણ મહત્તમ દેવ દર્શન અને ગરીબ અને પછાત મહિલાઓ અને યુવાનો સાથે લોકસંવાદ યોજી જાહેરસભાઓ, રોડ-શો અને પ્રશ્નોત્તરી કાર્યક્રમો યોજી પોતાનું ચૂંટણી પ્રચાર અભિયાન ચાલુ રાખવા મક્કમ છે. રાહુલ ગાંધીના સૌરાષ્ટ્ર ઝોન અને મધ્ય ઝોનના ચૂંટણી પ્રવાસની જબરદસ્ત સફળતા અને સાંપડેલા અભૂતપૂર્વ લોકસમર્થન બાદ ગુજરાત કોંગ્રેસમાં જોરદાર ઉત્સાહ અને ઊર્જાનો સંચાર થયો છે અને તેથી હવે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના રાહુલ ગાંધીના ચૂંટણી પ્રવાસને પણ સફળ બનાવવાની અસરકારક કવાયત હાથ ધરવામાં આવી છે. રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્ર ઝોન અને મધ્ય ઝોનના ચૂંટણી પ્રવાસ દરમિયાન કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની ભાજપ સરકાર પર નોટબંધી, જીએસટી ઉપરાંત, બેરોજગારી, ખેડૂતો, મહિલાઓ સહિતના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા તો સાથે સાથે કોંગ્રેસની સરકાર આવે તો રાજયમાં ખેડૂતોના તમામ દેવા માફ, બેરોજગાર યુવાનોને રોજગાર, મહિલાઓને સુરક્ષાના વચનો આપવાની સાથે કોંગ્રેસની સરકાર એ લોકોની સરકાર હશે તેવી ખાતરી આપી હતી.