(એજન્સી) પટના, તા.ર૭
બિહારના વૈશાલી જિલ્લામાં માણસાઈને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. વૈશાલી જિલ્લાના ભગવાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્ત્વોએ એક યુવતી સાથે છેડતી કરવાનો પ્રયત્ન કર્યો. આ દરમ્યાન યુવતીએ વિરોધ કરતા અસામાજિક તત્ત્વોએ યુવતી અને તેની માતાનું મુંડન કરાવીને તેમને આખા ગામમાં ફેરવ્યા હતા. આટલું જ નહીં, આરોપીઓએ માતા-પુત્રીને ઢોર માર પણ માર્યો હતો. બીજી તરફ પોલીસે આ કેસમાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરતા બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
પોલીસના જણાવ્યા અનુસાર ભગવાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં કેટલાક બદમાશોએ બુધવારે મોડી સાંજે એક કિશોરી સાથે જબરદસ્તી કરવાનો પ્રયત્ન કર્યો જેનો કિશોરીએ વિરોધ કર્યો. આરોપ છે કે કિશોરીના વિરોધથી રોષે ભરાયેલા બદમાશોએ કિશોરી અને તેની માતાને તેમના ઘરેથી ઉઠાવી લીધા અને ત્યારબાદ તેમની સાથે મારઝૂડ કરી. તે પછી પણ બદમાશોનું મન ન ભરાતા તેમણે માતા અને પુત્રીનું મુંડન કરાવીને તેમને આખા ગામમાં ફેરવ્યા. ઉલ્લેખનીય છે કે ગ્રામજનોએ પણ આ ઘટનાનો વિરોધ કર્યો નથી.
ભગવાનપુરના પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંજયકુમારે ગુરૂવારે જણાવ્યું કે પીડિતાના નિવેદનને આધારે ભગવાનપુર પોલીસ સ્ટેશનમાં આ કેસ અંગે નામ સાથે પાંચ લોકોની વિરૂદ્ધ એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે આ તમામ આરોપીઓ પીડિતના ગામમાં જ રહે છે.
પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે પોલીસે આ કેસમાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરતાં આ ઘટનામાં સામેલ બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે તથા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જણાવાઈ રહ્યું છે કે આ ઘટના બાદ ગામમાં તણાવનો માહોલ પેદા થયો છે.