(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૦
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામે સરપંચ હારૂન તૈલી ઉપર ગત શનિવારના રોજ થયેલા ફાયરિંગ પ્રકરણમાં એક આરોપીની અગાઉ ધરપકડ કરી હતી. એલ.સી.બી. પોલીસે તપાસ દરમ્યાન કામરેજના રામુ ભરવાડ નામના ઇસમની ધરપકડ કરી છે. રામુ ભરવાડે હારૂન તૈલીની સોપારી આપી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ ગુનામાં સોપારી લેનાર જોળવાના શખ્સને ઝડપી પાડી દેશી સીસ્કર (કટ્ટો) સહિત એક મોબાઇલ મળી કુલ રૂા.દસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામના સરપંચ હારૂન તૈલી ગત શનિવારના રોજ ઘરની બહાર બેઠા હતા. તે દરમ્યાન એક મોટરસાયકલ ઉપર આવેલ ત્રણ અજાણ્યા ઇસમોએ હારૂન તૈલી ઉપર આડેધડ ફાયરિંગ કર્યું હતું . જેમાં હારૂન તૈલીનો બચાવ થયો હતો જોકે તેના ભાઈના ખભા ઉપર નાની મોટી ઇજા પહોંચી હતી. હારૂન તૈલીએ જે દરમિયાન સૌરભ તિવારી નામના ઇસમને ઝડપી પાડ્યો હતો. વધુમાં મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના કામરેજ ચાર રસ્તા ખાતે રહેતા રામુ ભરવાડ નામના વ્યક્તિએ હારૂન તૈલીની સોપારી આપી હતી. પોલીસ તપાસ દરમ્યાન રામુ ભરવાડ પાસે સોપારી લેનાર જોળવા ખાતે રહેતા મુકેશ પાંડે નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. મુકેશ પાંડેએ સોપારી લીધા બાદ સૌરભ તિવારી તથા અન્ય એક ઈસમ સાથે ભેગા મળી હારૂન તૈલીની હત્યા કરી નાંખવાનું કાવતરૂં રચ્યું હતું. હારૂન તૈલીની હત્યા પ્રકરણમાં આ ટોળકીએ ૧પ લાખ રૂપિયામાં સોંપારી લીધી હોવાનું બહાર આવ્યું છે. બે તમંચા લઈને હત્યા કરવા આવ્યા હતા એક તમંચો પણ પોલીસે કબ્જે લીધો છે. દરમ્યાન જાણવા મળતી વિગત મુજબ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામના સરપંચ હારૂન તૈલી અને રામુ ભરવાડ વચ્ચે અગાઉ એક આદિવાસી બાળકીના મોત દરમિયાન માથાકુટ પણ થઇ હતી. તે દરિમયાન હારૂને રામુ ભરવાડને ધમકી પણ આપી હતી. જેથી તેણે હારૂન તેની હત્યા કરે તે પહેલા તેણે હારૂનની કાસળ કાઢી નાંખવાનું નક્કી કર્યું હતું.