(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૮
શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા ગુરુજ્ઞાની હોસ્ટેલમાં રહી ત્યાં જ અભ્યાસ કરતા બે બાળકો અચાનક ગાયબ થઇ જવા પામ્યા છે.જેની જાણ થતાં જ પોલીસે તપાસ હાથ ધરતાં બન્ને બાળકો તેમના વતનથી મળી આવતાં સૌએ હાંશકારો અનુભવ્યો હતો.
સોશિયલ મીડિયા વોટ્‌સઅપ, ફેસબુક સહિત અનેક માધ્યમો દ્વારા હાલમાં બાળકોના અપહરણની ઘટનાઓ અંગે મેસેજો ફરતા થયા છે.સોશિયલ મીડિયામાં ખોટા મેસેજો ફરતાં થતાં લોકોની હાલત કફોડી થવા પામી છે. હાલમાં એવી સ્થિતિ ઉભી થવા પામી છે કે ,લોકો પોતાના બાળકોને એકલા મુકતા પણ ડરે છે.
આવી પરિસ્થિતિ વચ્ચે મંગળવારે વહેલી સવારે સરથાણા પોલીસ મથકની નજીક આવેલા ગુરુજ્ઞાન હોસ્ટેલમાં રહેતા અને ત્યાં જ ધોરણ સાત અને આઠમાં અભ્યાસ કરતા ૧૨ અને ૧૩ વર્ષના બે બાળકો અચાનક જ ગાયબ થઇ ગયા હતા.જેની જાણ થતાં જ હોસ્ટેલના ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ દોડતા થઇ ગયા હતા.સવારે બંને બાળકોની હાજરી ન દેખાતા ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ દોડતા થઇ ગયા હતા.જેમણે સવારે બંને બાળકોની શોધખોળ શરૂ કરી હતી. જો કે, કલાકોની શોધખોળ બાદ પણ તેમણો કોઇ પતો ન લાગતા આખરે ગુરુજ્ઞાનની હોસ્ટેલના ટ્રસ્ટીઓએ સરથાણા પોલીસ મથકમાં જાણ કરી,બંને બાળકો ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.
સરથાણા પીઆઇ એન.ડી.ચૌધરીએ ગુનાને ગંભીરતાથી લઇ,તાત્કાલિક પોલીસની ટીમને તૈયાર કરી તપાસમાં જોતરી હતી. જેમાં જાણવા મળ્યું કે, વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે બેંને બાળકો હોસ્ટેલમાંથી નીકળી ગયા હતા અને બાદમાં અમરેલી તરફ જતી બસમાં બેસી ગયા હતા.પોલીસે બસ ક્યાં રૂટ પર ગઇ છે તેની તપાસ શરૂ કરી હતી.તેના આધારે બન્ને, જે હોટેલ પર રાત્રે રોકાયા હતા.તેના સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે આબાદ ઝડપાઇ ગયા હતા. અને બંને એકલાજ નજરે પડ્યાં હતાં. જેથી પોલીસે આગળ વધુ તપાસ કરતાં બંને બાળકો અમરેલીના ખામ્ભલા ગામે પહોંચી ગયા હોવાની જાણ થતાં પોલીસે ત્યાં પહોંચી તપાસ કરતાં બંને બાળકો તેના ઘરમાંથી મળી આવ્યા હતા.
વધુમાં મળતી માહિતી અનુસાર હોસ્ટેલમાંથી ભાગી જનાર બંને બાળકો ખાસ મિત્ર છે. જેમાં એકને માતા પિતા નથી જ્યારે બીજાને પિતા નથી અને તેની માતાએ બીજા લગ્ન કરી લીધા છે. બંને મિત્રોને ભણવામાં કંટાળો આવતો હતો અને હોસ્ટેલના તમામ નીતિ નિયમોનું પાલન કરી શકતા ન હતી જેથી આખરે તેઓએ ભાગવાનું નક્કી કર્યું હતું. હાલ તો બંને બાળકો હેમખેમ મળી આવતા ગુરુજ્ઞાની સંસ્થાના ટ્રસ્ટીઓ તથા સરથાણા પોલીસે પણ રાહતનો દમ લીધો હતો.