અમદાવાદ, તા.ર૭
રાજકોટમાં આવેલા સમરથ એપાર્ટમેન્ટના ઈલેકટ્રીક રૂમમાં આગ લાગતા બે બાળકનાં મોત થતાં ચકચાર મચી ગઈ હતી. પિતાને કામ હોવાથી બન્ને બાળકોને રૂમની અંદર મૂકીને બહારથી લોક મારીને ગયા હતા. ત્યારે જ આ કમનસીબ દુર્ઘટના ઘટના બન્ને માસૂમ બાળકોનાં આગમાં દાઝી જતાં મોત થયા હતા. બિગ બજારની પાછળ આવેલા સમરથ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. જેમાં નેપાળી પરિવારના ત્રણ વર્ષના બાળક આયુષચંદ અને ૬ વર્ષની બાળકી શ્રીસ્ટી શેરબહાદુર ચંદના મોત થયા છે. જેમાંથી બાળકી ૯૫ ટકા દાઝી ગઈ હતી, જેનું સારવાર દરમિયાન મોત થયું છે. એપાર્ટમેન્ટના બિલ્ડરે નેપાળી પરિવારને ઇલેક્ટ્રિક રૂમમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. આ દુર્ઘટનાને પગલે એપાર્ટમેન્ટમાં રહેતા તમામ રહેવાસીઓ ભાગી ગયા છે. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. મહત્વનું છે કે, આ આગમાં ઇલેક્ટ્રિક રૂમના સામાન સહિત ૩.૮૦ લાખ રૂપિયા રોકડા બળીને ખાખ થઈ ગયા છે. ત્યારે આ મામલે યોગ્ય પોલીસ તપાસની માગ સાથે મોટી સંખ્યામાં નેપાળી પરિવારો સિવિલ હોસ્પિટલમાં ઉમટ્યાં છે. આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી હતી. આ મામલે બાળકોના પિતાએ જણાવ્યું હતું કે,‘ તેઓ બહાર કામ હોવાથી બંને બાળકોને રૂમમાં મૂકી લોક કરીને ગયા હતા. ત્યારે થોડી વાર પછી જ તેમની પત્ની કામ પરથી આવવાની હોવાથી રૂમને લોક માર્યું હતું.’ મહત્વનું છે કે, આ સમયગાળામાં જ દુર્ઘટના સર્જાઈ હતી અને બંને બાળકોના રૂમમાં જ મોત નીપજ્યા હતા. આ નેપાળી પરિવાર ૧લી જાન્યુઆરીએ પોતાના વતન જવાનો હતો.