(એજન્સી) ઈસ્લામાબાદ, તા.૨૮
વડાપ્રધાન ઈમરાનખાનના પક્ષના સાંસદે સંસદમાં બે બિલો રજૂ કર્યા હતા. એમણે માગણી કરી છે કે, બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવનાર અને બાળલગ્ન કરાવવા માટે દોષીઓને વધુ સજા કરવામાં આવે. લઘુમતી હિંદુ કોમની બે સગીરાઓના બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરાવવાની ઘટનાથી દેશભરમાં વિરોધો થયા હતા. જેના પગલે સાંસદે બિલો રજૂ કર્યા છે. હિંદુ લઘુમતીઓ દ્વારા ઠરાવ પસાર કરાયો હતો. જેને બધા જ રાજકીય પક્ષોએ સમર્થન આપ્યો હતો. જેના અનુસંધાને બિલો રજૂ કરાયા છે. બળજબરીથી ધર્મ પરિવર્તન અને બાળલગ્નોની વિરૂદ્ધમાં ઠરાવ પસાર થયો હતો. ઈમરાનખાનના પક્ષ પીટીઆઈના સાંસદ રમેશકુમાર વાણકવાનીએ બિલો રજૂ કર્યા છે. ઠરાવમાં ગુનેગારોને વધુ કડક સજા આપવા માગણી કરાઈ હતી. જે લોકો ધર્મના નામે આ કૃત્યો કરી રહ્યા છે. એમને પ્રતિબંધિત ધાર્મિક સંગઠનો જાહેર કરવામાં આવે. રમેશકુમારે પત્રકારોને જણાવ્યું કે, કમનસીબે બાળલગ્નની પ્રથા પાકિસ્તાનમાં ખૂબ જ સામાન્ય છે. ખાસ કરીને જે ગરીબોના વિસ્તારો છે, ત્યાં વધુ પ્રમાણમાં છે. આ બિલોમાં માગણી કરાઈ છે કે, લઘુમતીઓનો રક્ષણ કરવા માટે સરકારી અને પોલીસ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવે. વધુમાં આ ગુનાઓને ઉકેલવા માટે સ્પે. કોર્ટોની રચના કરવામાં આવે, એ સાથે પીડિતો માટે આશ્રય ગૃહો પણ બનાવવામાં આવે. બિલમાં જોગવાઈ કરાઈ છે કે, જો કોઈ સગીર એવું નિવેદન આપે કે, એમને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાયું છે, તો એનો ધર્મપરિવર્તન માન્ય રખાશે નહીં અને આના માટે સગીરની સામે કોઈ પગલાં લેવામાં નહીં આવશે. બિલમાં પાંચ વર્ષથી લઈ જન્મટીપની સજાની જોગવાઈ કરાઈ છે. એ સાથે દંડની પણ જોગવાઈ કરાઈ છે, જે રકમ પીડિતને આપવામાં આવશે. પાકિસ્તાનમાં ૭પ લાખ હિંદુઓ રહે છે. જેમાંથી મોટાભાગના સિંધ પ્રાંતમાં છે. મીડિયા રિપોર્ટ મુજબ લગભગ પ્રતિ મહિને એકલા ઉમરકોટ જિલ્લામાં જ રપ લગ્નો બળજબરીથી કરાવવામાં આવે છે.