અંકલેશ્વર, તા.૧
એનપીડીએસની કાનૂની જોગવાઈઓનો ભંગ કરી જંગી જથ્થામાં પ્રતિબંધિત મેફેડ્રોન દવા બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરી સુરત ડીઆરઆઈએ અંકલેશ્વરના યુનિટ માલિકની ધરપકડ કરી હતી. જેના કારખાનામાંથી વિશાળ જથ્થામાં તૈયાર ડ્રગ તેમજ મેફેડ્રોન દવા બનાવવા માટે વપરાતી સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. ડીઆરઆઈએ આરોપી ડૉ.સંકેત પટેલને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને જ્યુ. કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. ડીઆરઆઈને ગઈકાલે મે.મેટ્રીક્સ ફાઈન કેમ.એન્ડ લેબોરેટરી પ્લોટ નં.૭૬૧૨ કર્માતુર ચોકડી જીઆઈડીસી અંકલેશ્વરના માલિક ડૉ.સંકેલ બાલુભાઈ પટેલ રહે. ગાર્ડન સિટી, કોસમડી, અંકલેશ્વરના તેમના કારખાનામાં પ્રતિબંધિત મેફેડ્રોન દવા મોટાપાયે ગેરકાયદે ઉત્પાદનમાં સંકળાયેલા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. અંકલેશ્વરના આ યુનિટમાં હાલ પણ મેફેડ્રોનનો ક્રિસ્ટલ ફોર્મમાં જંગી જથ્થો પડેલો હોવાની પણ માહિતી મળતા ડીઆરઆઈએ ડૉ.સંકેત પટેલના યુનિટ મકાનમાં સર્ચ હાથ ધરી હતી. સંકેત પટેલના કોસમડી ગાર્ડન સિટી ખાતેના રહેણાંક મકાનમાં કરાયેલી તપાસમાં તેણે પંચનામા દરમિયાન જણાવ્યું હતું કે, અંકલેશ્વર જીઆઈડીસી ખાતેના કારખાનામાં મેફેડ્રોનનો જથ્થો પડેલો છે. આ ઉપરાંત આ પ્રતિબંધિત મેફેડ્રોન દવાના દ્રાવણ તેમજ પાવડરનો જથ્થો પણ ત્યાં રખાયેલો છે. યુનિટમાં કરાયેલી તપાસમાં મેફેડ્રોન બનાવવા માટે જરૂરી દસ્તાવેજો કે કોઈ રેકોર્ડ મળ્યા નહોતા પણ સંકેતના બે મોબાઈલ એનડીપીએસ એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવ્યા હતા. ડીઆરઆઈએ તુરંત જ નર્મદા, ભરૂચના ફોરેન્સિક સાયન્સ વિભાગના સાયન્ટીફીક ઓફિસરને બોલાવ્યા હતા અને તેમણે સંકેત પટેલના યુનિટમાંથી ઝડપાયેલી દવાના જથ્થામાં એનપીડીએસનું પ્રમાણ હોવાની બાબતને પુષ્ટી આપી હતી.